Ahmedabad Accident: કાલુપુર બ્રિજ પર મોડી રાતે AMTS બસનો અકસ્માત, 3 વાહનોને અડફેટે લેતા બે લોકો ઇજાગ્રસ્ત

By: Nation Gujarat Team
20 Sep, 2026
અમદાવાદ: શહેરના કાલુપુર બ્રિજ પર શનિવારે રાત્રે AMTS બસનો અકસ્માત સર્જાયો હતો. AMTS બસે આગળ જઈ રહેલા 2થી 3 વાહનોને અડફેટે લીધા બાદ બસ રિવર્સ લેતા પાછળથી આવી રહેલા ટુ-વ્હીલરો સાથે પણ ટક્કર થઈ હતી. અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ રૂટ નંબર 137 શટલની AMTS બસ રામદેવ મસાલાથી બાપુનગર તરફ જઈ રહી હતી. રાત્રે આશરે 9:15 વાગ્યે કાલુપુર બ્રિજ પર બુલેટ ટ્રેન બ્રિજ નીચે પહોંચતા બસનો આગળ જઈ રહેલા 2થી 3 વાહનો સાથે અકસ્માત થયો હતો.
અકસ્માત બાદ બસને રિવર્સ લેવામાં આવતા પાછળથી આવી રહેલા 2 થી 3 ટુ-વ્હીલર સાથે પણ ટક્કર થઈ હતી. સમગ્ર ઘટનામાં AMTS બસે કુલ ત્રણ જેટલા વાહનોને અડફેટે લીધા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. અકસ્માતમાં એક મહિલાને અને એક પુરુષને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટોળાને વિખેરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. બનાવની જાણ થતાં E ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે AMTS બસના ડ્રાઈવર માનસિંગ રાઠોડને રાઉન્ડ અપ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
બસના ડ્રાઈવર અને કંડક્ટરને શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. હાલ અકસ્માત કયા કારણોસર સર્જાયો અને બસ ચાલકની ચોક્કસ ભૂમિકા અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Related Posts

Load more