અમદાવાદ મહાનગરપાલિકા હવે પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે મહત્વપૂર્ણ પહેલ કરી રહી છે. AMC JALના પાણીના પ્લાન્ટમાં પ્લાસ્ટિકની બોટલના વિકલ્પ તરીકે કાચની બોટલનો ઉપયોગ શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.AMC JALમાં કાચની બોટલનો વિકલ્પ
વર્ષ 2014થી કાર્યરત AMC JALના 3000 LPH ક્ષમતાવાળા પ્લાન્ટમાંથી અત્યાર સુધી મુખ્યત્વે 500 એમએલ અને 1 લીટરની પ્લાસ્ટિક બોટલમાં પાણી ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું. હવે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે કાચની બોટલમાં પાણી ઉપલબ્ધ કરાવવાની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
નવા આયોજન મુજબ 250 એમએલ, 300 એમએલ, 500 એમએલ અને 1000 એમએલની કાચની બોટલ તૈયાર કરવામાં આવશે. મનપાના વિવિધ કાર્યક્રમો અને સત્તાવાર ઉપયોગમાં હવે પ્લાસ્ટિકની જગ્યાએ કાચની બોટલ જોવા મળશે.
કાચની બોટલનો ઉપયોગ માત્ર એક વખત કરીને ફેંકી દેવાને બદલે તેને અલગથી એકત્રિત કરીને ફરી ઉપયોગમાં લેવામાં આવશે. આ વ્યવસ્થાથી બોટલનો ખર્ચ ઘટાડવા સાથે પ્લાસ્ટિકના ઉપયોગમાં પણ ઘટાડો લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
મનપા દ્વારા પાણીનો બગાડ ઘટાડવા માટે 200 એમએલની બોટલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જરૂરિયાત મુજબ નાની બોટલ ઉપલબ્ધ કરાવવાથી પાણીનો બગાડ ઓછો થાય તેવો પ્રયાસ કરવામાં આવશે.
કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદને વધુ પર્યાવરણમૈત્રી અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં મનપા દ્વારા આ પહેલને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.