ભાજપની તાનાશાહી હવે હદ વટાવે છે, જનતા આવનારી ચૂંટણીઓમાં તેનો જવાબ આપશે : AAP શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગુજરાતમાં છેડાના લોકો પર પણ ગંભીર અસરો પડી રહી છે. યુદ્ધના કારણે આખા દેશમાં ગેસની તંગી ચાલી રહી છે જેના કારણે આજરોજ સુરતમાં વહેલી સવારે પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન પરત જવા નીકળ્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયડેની આગેવાનીમાં માનવતાની દ્રષ્ટિએ શ્રમિકોને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફક્ત સેવાભાવી કામ હતું તેમ છતાં પણ ભાજપ સરકારની પોલીસે પહેલાં તો ફૂડ વિતરણ કરવા દેવામાં આનાકાની કરી હતી, પછી AAP નેતાઓએ સમજાવતા છેવટે પોલીસે ફૂડ વિતરણ કરવા પરવાનગી આપી હતી. જોકે, ફૂડ વિતરણના અંતે ભાજપ સરકારની પોલીસે પોતાની તાનાશાહી દેખાડી અને સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયડેની રેલવે પોલીસે અટકાયત કરી હતી. થોડો સમય અટકાયત બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા. જો કે, આવા માનવતાસભર કામમાં પણ પોલીસની આવી હરકતને આમ આદમી પાર્ટી આ પગલાંને સખત શબ્દોમાં વખોડે છે.
આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમ્યાન શ્રમિકો જે રીતે સુરતમાંથી પલાયન થયા હતા અને ઉદ્યોગોને માઠી અસર થઈ હતી, વેપાર ધંધા પડી ભાંગ્યા હતા, તેનું પુનરાવર્તન થતું અટકાવવા ’શ્રમિક બચાવો, ઉદ્યોગ બચાવો’ હેઠળ અમે શ્રમિકોને મદદરૂપ થવા આવ્યાં હતા, પરંતુ ભાજપ શાસકોને એમાં પણ તકલીફ પડી હોય એમ તેમના ઈશારે પોલીસે અમને રોક્યાં હતા. ભાજપની તાનાશાહી હવે હદ વટાવે છે. જનતા આવનારી ચૂંટણીઓમાં જવાબ આપશે.