વિકાસ અને વિરાસતને સાથે લઈને ચાલવાનું વડતાલનું ઉત્તમ ઉદાહરણ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ | સંતોના આશીર્વાદને જનસેવાની તાકાત ગણાવી, સોલાર વિલેજના લાભાર્થીઓનું સન્માન કર્યું
વડતાલ: નવા વર્ષના પાવન અવસરે ખેડા જિલ્લાના વડતાલધામ ખાતે યોજાયેલા ધાર્મિક સમૈયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે વડતાલ સંસ્થા દ્વારા નિર્મિત શ્રીહરિકૃષ્ણ મહારાજ પ્રાથમિક કુમાર શાળા અને શ્યામવલ્લભ સ્વામી સ્મૃતિદ્વારનું ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના પ્રથમ લોકભાગીદારી આધારિત સોલાર વિલેજ બનવા જઈ રહેલા પીપળાવ ગામના સોલાર વિલેજ પ્રોજેક્ટનો પણ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડતાલધામમાં સંતો, મહંતો અને આચાર્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે સંતોના આશીર્વાદ જ અમારી તાકાત છે અને આ જ આશીર્વાદ મેળવવા માટે અહીં આવ્યા છીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણે સૌને સાથે લઈને ચાલવાનો સંદેશ આપ્યો છે અને સરકાર પણ એ જ માર્ગે આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના કરોડો લોકોને ગરીબી રેખાથી બહાર લાવવાના પ્રયાસો થયા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી શાળા મંદિર દ્વારા નિર્માણ પામે તે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. વડતાલના આ સમૈયામાં આસ્થા અને ભક્તિની સાથે શિક્ષણનો અધ્યાય પણ જોડાયો છે. વિકાસ અને વિરાસતને સાથે લઈને ચાલવાનું આ પ્રસંગ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે નવા વર્ષની સૌને શુભકામનાઓ પણ પાઠવી હતી.
વડતાલ મંદિરના પટાંગણમાં મુખ્યમંત્રીનું આગમન થતાં ઉપસ્થિત હરિભક્તોએ જયઘોષ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી પ્રોટોકોલ છોડીને સત્સંગીઓ વચ્ચે જઈને બેઠા હતા. ત્યારબાદ તેમણે નિજમંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવની પૂજા-અર્ચના કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.
મહોત્સવના મંચ પર પહોંચ્યા બાદ મુખ્યમંત્રીએ સૌપ્રથમ સંતો, વ્યાસપીઠ અને આચાર્યશ્રીને વંદન કર્યા હતા. નૌતમપ્રકાશ સ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ દેવપ્રકાશ સ્વામી (વડતાલ), હરિજીવન સ્વામી (ગઢપુર), પી.પી. સ્વામી (જૂનાગઢ), નીલકંઠચરણ સ્વામી (જેતપુર) અને બાલમુકુંદ સ્વામી (સરધાર) સહિતના સંતોએ પુષ્પહારથી મુખ્યમંત્રીનું અભિવાદન કરી આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગનું વિશેષ આકર્ષણ પીપળાવ ગામને સોલાર વિલેજ બનાવવાના પ્રોજેક્ટનો પ્રારંભ રહ્યો હતો. મુખ્યમંત્રીએ પીપળાવ ગામના પ્રતિનિધિને પ્રથમ પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું અને સહકારી ક્ષેત્રના અગ્રણી તેમજ વડતાલ સંસ્થાના ટ્રસ્ટી તેજસભાઈ બિપીનભાઈના સંકલ્પને બિરદાવ્યો હતો.
સોલાર સિસ્ટમ મેળવનારા લાભાર્થીઓનું પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે સભામંડપમાં ઉપસ્થિત હરિભક્તોએ જયઘોષ સાથે આ પહેલને વધાવી હતી. નોંધનીય છે કે વડતાલ સંસ્થા દ્વારા દિવાળી બોનસના ભાગરૂપે સોલાર પેનલ આપવાની પહેલ પણ કરવામાં આવી છે.
વડતાલ સંસ્થા દ્વારા શિક્ષણ, ધાર્મિક પ્રવૃત્તિઓ અને સામાજિક સેવાના ક્ષેત્રે કરવામાં આવતા કાર્યોની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી. શ્રીહરિકૃષ્ણ મહારાજ પ્રાથમિક કુમાર શાળા અને શ્યામવલ્લભ સ્વામી સ્મૃતિદ્વારનું લોકાર્પણ સંસ્થાની સેવાભાવનાનું પ્રતીક બન્યું હતું.
આ પ્રસંગે તેજસભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, અલ્પિતભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને રોહિત બલર સહિતના દાતાઓએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે મંત્રી રમણભાઈ સોલંકી, સંજયસિંહ મહિડા અને કમલેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યો પંકજભાઈ દેસાઈ, યોગેશભાઈ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર અને રાજેન્દ્રસિંહ ઝાલા તેમજ સાંસદ દેવુસિંહ ચૌહાણે પણ હાજરી આપી હતી.
આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી (DDO), તાલુકા વિકાસ અધિકારી (TDO), અધિક કલેક્ટર, પોલીસ અધિક્ષક અને નડિયાદના ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં વડતાલ સંસ્થાના મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામીએ આભારવિધિ કરી હતી.
કાર્યક્રમના અંતે ભગવાન શ્રીલક્ષ્મીનારાયણ દેવ અને શ્રી સ્વામિનારાયણ ભગવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રીમંડળના સભ્યોને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને અવિરત જનસેવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.