દિવાળી ભલે રંગેચંગે ઊજવાઈ ગઈ હોય, પરંતુ તહેવારોની ઉજવણી બાદ હવે રસોડાનું બજેટ બગડી રહ્યું છે, કારણ કે રસોડામાં સિંગતેલ એ માત્ર ખાદ્યતેલ નથી, પરંતુ રોજિંદા ભોજનનો અભિન્ન હિસ્સો છે. દાળમાં વઘાર કરવો હોય, શાક બનાવવું હોય કે ફરસાણનો સ્વાદ માણવો હોય, સિંગતેલની હાજરી સામાન્ય છે. હવે આ જ સિંગતેલ અમદાવાદીઓના ઘરખર્ચનું ગણિત બગાડી રહ્યું છે. હાલ ૧૫ કિલોના ડબાનો ભાવ અંદાજે રૂ. 3300 છે ત્યારે મગફળીમાંથી તેલ કાઢવા માટે વપરાતી ગુણવત્તાવાળી મગફળીની અછતના કારણે આગામી સમયમાં ભાવ રૂ. 3300થી વધીને રૂ. 3800થી રૂ. 4000 સુધી પહોંચે તેવી વેપારીઓને આશંકા છે.
એક તરફ મગફળીના ઉત્પાદનમાં ઘટાડાની આગાહી છે, બીજી તરફ સારી ગુણવત્તાવાળી મગફળીનો ઉપયોગ ખારી સિંગ, ચેવડાે અને અન્ય ફરસાણમાં વધી રહ્યો છે, પરિણામે તેલ કાઢવા માટે મગફળી કેટલી ઉપલબ્ધ રહેશે તે પણ મુશ્કેલ વાત છે. અમદાવાદમાં રોજિંદા વપરાશ માટે સિંગતેલ ખરીદતા પરિવારોને હવે માત્ર ડબાનો ભાવ જ નહીં, પરંતુ તેલની શુદ્ધતા અંગે પણ સાવચેત રહેવું પડશે. તાજેતરમાં સરકારે ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, જે મગફળીના ઉત્પાદન માટે જાણીતા વિસ્તારો છે. ઓછા વરસાદની અસરના કારણે આ વિસ્તારોમાં ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે.
વેપારીઓના મતે આ વર્ષે સારી ગુણવત્તાવાળી મગફળી ખાવા માટે વધુ વપરાય છે. ખારી સિંગ, ચેવડા અને અન્ય ફરસાણમાં મગફળીની માગના પગલે તેલ કાઢવા યોગ્ય જી-20 પ્રકારની મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા છે. આ કારણથી િંસંગતેલના ભાવ પર દબાણ વધી શકે છે, જેથી આગામી સમયમાં ડબાનો ભાવ રૂ. 4000 સુધી પહોંચવાની શક્યતા છે.