ડિઝાઇન અને ગ્રાફિક્સ ક્ષેત્રની વૈશ્વિક દિગ્ગજ કંપની કેન્વામાં 1,200થી વધુ કર્મચારીઓની છટણી

By: Nation Gujarat Team
04 Nov, 2026

ડિઝાઇન અને ગ્રાફિક્સ ક્ષેત્રની વૈશ્વિક દિગ્ગજ કંપની કેન્વાએ પોતાના 22 ટકા કર્મચારીઓની છટણી કરવાની સત્તાવાર જાહેરાત કરીને સમગ્ર ટેક જગતને ચોંકાવી દીધું છે. કંપનીના સીઈઓ મેલાની પર્કિન્સે તમામ સ્ટાફને મોકલેલા એક આંતરિક મેમોમાં આ દુઃખદ નિર્ણયની માહિતી આપતા જણાવ્યું હતું કે,આશરે 1,271 કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે.

તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે, કેન્વા સ્થાપનાના 13 વર્ષના ઈતિહાસમાં આ એક સૌથી મુશ્કેલ અને પીડાદાયક ક્ષણ છે, પરંતુ કંપનીના લાંબા ગાળાના ભવિષ્ય માટે આ પગલું ભરવું અત્યંત અનિવાર્ય બની ગયું હતું.

કંપની દ્વારા લેવાયેલા આ મોટા ફેરફાર પાછળ મુખ્યત્વે છેલ્લા એક વર્ષમાં ધીમી પડેલી વૃદ્ધિ અને બજારના બદલાતા સમીકરણો જવાબદાર છે. કેન્વાએ 2026 માટેની તેની અપેક્ષિત આવક વૃદ્ધિનો અંદાજ 30 ટકાથી ઘટાડીને 20 ટકા કરી દીધો છે.

આ સાથે જ બજારમાં નવીનતમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ઈમેજ અને ગ્રાફિક્સ ટૂલ્સની ઝડપથી વધતી લોકપ્રિયતાને કારણે કેન્વાના પરંપરાગત બિઝનેસ મોડેલ સામે મોટો પડકાર ઊભો થયો છે. સીઈઓ પર્કિન્સે જણાવ્યું હતું કે માત્ર નાના-મોટા સુધારાઓ કરવાથી હવે કામ નહીં ચાલે, તેથી કંપનીને આગામી દાયકા માટે મજબૂત બનાવવા આ નિર્ણય લેવાયો છે.

નોકરી ગુમાવનારા કર્મચારીઓ માટે કંપનીએ એક અત્યંત ઉદાર સેવરેન્સ પેકેજની જાહેરાત કરી છે, જેથી તેમને આ મુશ્કેલ સમયમાં આર્થિક ટેકો મળી રહે. પેકેજ અનુસાર, દરેક અસરગ્રસ્ત કર્મચારીને તેમના કામના સ્થળ કે હોદ્દાને ધ્યાનમાં લીધા વિના ઓછામાં ઓછા છ મહિનાનો સંપૂર્ણ પગાર અને તમામ કાનૂની લાભો આપવામાં આવશે.

આ ઉપરાંત, કંપની જે દેશોમાં હેલ્થકેર કવરેજ આપે છે ત્યાં આગામી 12 મહિના સુધી તબીબી વીમાની સુવિધા ચાલું રાખવામાં આવશે, તેમજ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે ‘કેન્વા કેર’ નામના એમ્પ્લોયી આસિસ્ટન્સ પ્રોગ્રામનો લાભ પણ 12 મહિના સુધી ઉપલબ્ધ રહેશે.

પોતાના ભૂતપૂર્વ સાથીઓને નવી નોકરી શોધવામાં મદદરૂપ થવા માટે કેન્વાએ વિશેષ કારકિર્દી સહાયતા પૂરી પાડવાની વ્યવસ્થા કરી છે. અસરગ્રસ્ત કર્મચારીઓને એક કરિયર કોચિંગ, ઈન્ટરવ્યુની તૈયારીઓ માટે માર્ગદર્શન અને એક વર્ષ માટે લિંક્ડઈન પ્રીમિયમનું ફ્રી સબ્સ્ક્રિપ્શન આપવામાં આવશે, જેથી તેઓ ઝડપથી નવી તકો શોધી શકે.

આ સિવાય કર્મચારીઓને તેમના કંપની આપેલા એપલ મેકબુક પોતાની પાસે જ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. સાહસિક કર્મચારીઓ માટે ‘કેન્વા કલેક્ટિવ ફંડ’ શરૂ કરવામાં આવ્યું છે, જેના હેઠળ નવો બિઝનેસ કે સામાજિક પ્રોજેક્ટ શરૂ કરવા માટે કોઈ પણ ઇક્વિટી લીધા વિના 10,000 ડોલરની ગ્રાન્ટ આપવામાં આવશે.

 


Related Posts

Load more
Follow Us

Live Cricket Score