‘લગ્ન પહેલાં કુંડળી નહીં, સોશિયલ મીડિયા ચેક કરો’ – લાલજી પટેલની પ્રતિક્રિયા

By: Nation Gujarat Team
02 Nov, 2026

Mehsana: તાજેતરમાં ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપતભાઈ પટેલે પાટીદાર સમાજના યુવાનોમાં વધતા વ્યસન અંગે કરેલા નિવેદને ભારે ચર્ચા જગાવી છે. ત્યારે હવે આ મામલે મહેસાણા ખાતે સરદાર પટેલ ગ્રુપ (SPG) ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે પોતાની વિસ્તૃત પ્રતિક્રિયા આપી છે. લાલજી પટેલે ગણપતભાઈના નિવેદનને સમર્થન આપતાં આજના સમયની વાસ્તવિકતા અને યુવાનોની બગડતી જતી સંગત વિશે માતા-પિતાને કેટલીક કડવી પરંતુ અત્યંત સાચી શિખામણ આપી છે.

કુંડળી મેળવતા પહેલાં મોબાઈલ ચેક કરો!

લાલજી પટેલે વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપતાં અત્યંત ચોંકાવનારું અને મહત્વપૂર્ણ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે, “આજે દીકરા કે દીકરીના લગ્ન નક્કી કરતી વખતે લોકો કુંડળી મેળવવામાં વધુ સમય કાઢે છે, પરંતુ આજના ડિજિટલ યુગમાં કુંડળી મેળવતા પહેલાં સંતાનોનું સોશિયલ મીડિયા એકાઉન્ટ અને તેમનો મોબાઈલ ચેક કરવો સૌથી વધુ જરૂરી બની ગયો છે.” તેમણે વાલીઓને સ્પષ્ટ સલાહ આપી હતી કે સંતાનોના વોટ્સએપ ચેટિંગ, તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ અને તેમની સંગત પર ચાંપતી નજર રાખવી જોઈએ, જેથી તેઓ ખોટા માર્ગે જતા અટકી શકે.

માતા-પિતાને મિત્ર બનવાની અપીલ

લાલજી પટેલે પારિવારિક વાતાવરણ અંગે વાત કરતા જણાવ્યું કે, માત્ર રોકટોક કરવાથી સમસ્યા હલ નહીં થાય. માતા-પિતાએ પોતાના સંતાનો સાથે કડકાઈ દાખવવાના બદલે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખવો જોઈએ. જો ઘરમાં સંવાદની જગ્યા હશે, તો સંતાનો પોતાની સમસ્યાઓ છુપાવવાને બદલે પરિવાર સાથે શેર કરશે. આ ઉપરાંત, તેમણે દરેક ઘરમાં ધાર્મિક, આધ્યાત્મિક અને સકારાત્મક વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂક્યો હતો, જેથી યુવાનોમાં સારા સંસ્કારોનું સિંચન થઈ શકે.

“વ્યસન એ 18 કોમની સળગતી સમસ્યા છે”

ગણપતભાઈ પટેલે ખાસ કરીને પાટીદાર યુવાનોના વ્યસન અંગે ટકોર કરી હતી, તેના સંદર્ભમાં લાલજી પટેલે સ્પષ્ટતા કરી કે આ દૂષણ માત્ર કોઈ એક સમાજ પૂરતું સીમિત નથી. તેમણે કહ્યું, “માત્ર પાટીદાર સમાજ જ નહીં, પરંતુ આજે ગુજરાતમાં 18એ કોમના યુવાનો અલગ-અલગ પ્રકારના વ્યસનના રવાડે ચઢી ગયા છે.” યુવાનોને આ બરબાદીથી બચાવવા એ માત્ર પરિવારની નહીં, પરંતુ સમગ્ર સમાજની પણ નૈતિક જવાબદારી છે.

સરકાર કાયદાનું કડક પાલન કરાવે

વ્યસનમુક્તિ માટે લાલજી પટેલે સરકારની ભૂમિકાને પણ મહત્વની ગણાવી હતી. તેમણે માંગ કરી હતી કે ગુજરાતમાં દારૂબંધી અને ડ્રગ્સ વિરોધી કાયદાઓ તો છે, પરંતુ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા આ કાયદાઓનું સખ્તાઈથી પાલન કરાવવું જોઈએ. જો કાયદાનો ડર હશે અને સમાજ જાગૃત થશે, તો જ આવનારી પેઢીને આ વ્યસનના રાક્ષસથી બચાવી શકાશે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score