સુરતીઓ ચંદની પડવે 18 કરોડની 200 ટન ઘારી ઝાપટશે

By: Nation Gujarat Team
25 Oct, 2026

સુરતનું જમણ અને કાશીનું મરણ”ની કહેવતને ચરિતાર્થ કરતા સ્વાદના શોખીન સુરતીલાલાઓ માટે ચંદની પડવો એટલે ઘારી અને ભૂસાની અલ્ટીમેટ જ્યાફત. આ વર્ષે ચંદની પડવાના પાવન પર્વે સુરતમાં અંદાજે ₹18 કરોડથી વધુની કિંમતની 200 ટન જેટલી ઘારી આરોગી જવાનો અંદાજ છે. કાચો માલ મોંઘો થતાં ઘારીમાં કિલોએ રૂ.100નો વધારો થયો છે, પ્રીમિયમ કેટેગરીની ઘારીઓ 1300ની કિલો સુધી પહોંચી ગઈ છે.

સૌથી ખાસ વાત એ છે કે આ વખતે પરંપરાગત માવા અને બદામ-પિસ્તા ઘારીની સાથે સાથે યુવા પેઢી એટલે કે Gen-Z ની બદલાતી પસંદગીને ધ્યાનમાં રાખીને બજારમાં અનોખી ફ્યુઝન ઘારીઓ ધૂમ મચાવી રહી છે. જેમાં સ્વિસ ચોકલેટ નટ્સ, કુનાફા, બ્લૂબેરી, સ્ટ્રોબેરી અને ચીકુ ચોકલેટ જેવી નવીનતમ અને ટ્રેન્ડી ફ્લેવર્સ યુવા વર્ગમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

સુમુલ ડેરીએ 85,000 કિલો અને ખાનગી વિક્રેતાઓએ 90,000 કિલો ઘારી તૈયાર કરી ચંદની પડવાને લઈને સુરતના મીઠાઈ બજારોમાં અત્યારથી જ અભૂતપૂર્વ ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે. સુરત અને તાપી જિલ્લાની શાન ગણાતી સુમુલ ડેરી દ્વારા એકલા હાથે અંદાજે 85,000 કિલો શુદ્ધ ઘીની ઘારી તૈયાર કરવામાં આવી છે. જ્યારે શહેરના જાણીતા ખાનગી મીઠાઈ વિક્રેતાઓ દ્વારા આશરે 90,000 કિલોથી વધુ ઘારીનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. તહેવારના 2થી 3 દિવસ અગાઉથી જ મીઠાઈના કાઉન્ટર્સ પર ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડી છે અને એડવાન્સ બુકિંગ તેમજ ઓનલાઇન ઓર્ડરનો જોરદાર ધસારો જોવા મળી રહ્યો છે.

કાચો માલ મોંઘો થતાં ઘારીમાં કિલોએ રૂ.100નો વધારો આ વર્ષે મોંઘવારીની સીધી અસર સુરતીઓની મનપસંદ ઘારી પર પણ જોવા મળી રહી છે. ડ્રાયફ્રૂટ્સ, માવો અને ખાંડના ભાવોમાં થયેલા વધારાને કારણે ઘારીના ભાવમાં પ્રતિ કિલો આશરે 100નો વધારો ઝીંકાયો છે. બજારમાં સામાન્ય માવા ઘારીનો ભાવ પ્રતિ કિલો રૂ.900 પહોંચ્યો છે, જ્યારે કેસર, બદામ-પિસ્તા અને અંજીર-અખરોટ જેવી સ્પેશિયલ ઘારી રૂ. 1100થી 1200 કિલોના ભાવે વેચાઈ રહી છે. આ ઉપરાંત Gen-Z સ્પેશિયલ કુનાફા ઘારી 1200 અને પ્રીમિયમ કેટેગરીની ઘારીઓ 1300 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, છતાં સુરતીઓના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી.

સુરતી ઘારી બનાવવાની પ્રક્રિયા અત્યંત ઝીણવટભરી અને પરંપરાગત કારીગરી માગી લે છે. ઘારી બનાવવાની આખી પદ્ધતિ વર્ણવતાં ’24 કેરેટ્સ મિઠાઈ મેજિક’ના રાધાબેન મીઠાઈવાલા જણાવે છે કે, ચંદની પડવાની ઘારી બનાવવાની તૈયારીઓ 2થી 3 દિવસ અગાઉથી લાઈવ કિચનમાં શરૂ કરી દેવાય છે.

ઘારી શિયાળાની શરૂઆતમાં ઇમ્યુનિટી બૂસ્ટર બને છે’ રાધાબેન મીઠાઈવાલાએ કહ્યું કે, આપણી વર્ષો જૂની ખાનપાનની પરંપરા સીઝન સાથે સંકળાયેલી છે. નવરાત્રી સંપન્ન થતાં જ ગુલાબી ઠંડીની શરૂઆત થાય છે, જેના કારણે માનવ શરીરનું ટેમ્પરેચર બદલાય છે અને રોગપ્રતિકારક શક્તિ થોડી ડાઉન થાય છે. ઘારી શુદ્ધ ઘી, કેસર, બદામ, પિસ્તા અને શરીરને હૂંફ આપતા તેજાનામાંથી બને છે. આ તમામ તત્વો શરીરને તાત્કાલિક ઉર્જા આપવાની સાથે બદલાતી ઋતુ સામે રક્ષણ પૂરું પાડે છે, જેથી આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘારી ખૂબ જ ગુણકારી સાબિત થાય છે.

અમેરિકા, લંડન, કેનેડા સુધી સુરતી ઘારીની સુવાસ સુરતી ઘારી માત્ર સુરત કે ગુજરાત પૂરતી સીમિત ન રહેતાં વૈશ્વિક સ્તરે પહોંચી ચૂકી છે. સાત સમંદર પાર વસતા બિનનિવાસી ગુજરાતીઓ માટે સુરતથી વિદેશમાં મોટા પાયે ઘારી મોકલવામાં આવી રહી છે. અમેરિકા, લંડન, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વસતા સ્નેહીજનો માટે સુરતીઓ અત્યારથી જ પાર્સલ રવાના કરી રહ્યા છે. રાધાબેને જણાવ્યું કે, વિદેશ એક્સપોર્ટ થતી ઘારી બગડી ન જાય તે માટે ખાસ MAP (મોડિફાઇડ એટમોસ્ફિયર પેકેજિંગ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્પેશિયલ પેકિંગને કારણે ઘારી 3 મહિના સુધી એકદમ અકબંધ અને તાજી રહે છે. જોકે આ બોક્સ ખોલ્યા બાદ 3 દિવસની અંદર ઘારી આરોગી લેવી હિતાવહ છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score