નવરાત્રીમાં સાયબર ઠગાઈનો મોટો ખતરો: ફ્રી પાસ કે ગરબા પાર્ટનર અને ડ્રેસ ભાડે આપવાની વાયરલ પોસ્ટ્સથી ચેતજો

By: Nation Gujarat Team
20 Sep, 2026

નવરાત્રી આવતા જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગરબાને લગતી અનેક પોસ્ટ વાયરલ થવા લાગી છે… ખાસ કરીને લોકો પોતાના ફોટા સાથે ગરબા પાર્ટનર , ટ્રેડિશનલ ડ્રેસ ભાડે આપવાની અને પ્રખ્યાત ગરબા ના ફ્રી પાસ ની લોભામણી પોસ્ટ શેર કરી રહ્યા છે.

પ્રાથમિક તપાસમાં આવી પોસ્ટ કરનારા યૂઝર્સ અમદાવાદ, મુંબઈ અને સુરતના હોવાનું સામે આવ્યું છે. આ વાયરલ પોસ્ટને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ સતર્ક બની છે. સાયબર ક્રાઈમની ટીમ હાલ આવી તમામ લોભામણી પોસ્ટનું મોનિટરિંગ કરી રહી છે. જોકે, રાહતની વાત એ છે કે હજુ સુધી અમદાવાદ સાયબર ક્રાઇમને આ મામલે કોઈ સત્તાવાર છેતરપિંડીની ફરિયાદ મળી નથી.

સાયબર ક્રાઇમ પોલીસનું કહેવું છે કે લોકોએ પોતાના અંગત ફોટા સાથે આવી પોસ્ટ મૂકવાનું ટાળવું જોઈએ, કારણ કે સાયબર ગઠિયાઓ આવી પોસ્ટના આધારે જ તમારો સંપર્ક કરી ઠગાઈ આચરતા હોય છે. નવરાત્રીમાં માત્ર પાર્ટનર કે ડ્રેસ જ નહીં, પરંતુ પ્રખ્યાત ગરબાના ઓનલાઇન પાસના નામે પણ તમારી સાથે મોટી છેતરપિંડી થઈ શકે છે.

સાયબર ગઠિયાઓ તમને સસ્તા કે VIP પાસની લાલચ આપીને વોટ્સએપ કે ટેક્સ્ટ મેસેજમાં અજાણી APK ફાઇલ કે લિંક મોકલી શકે છે. જો તમે એ અજાણી ફાઇલ ડાઉનલોડ કરી કે લિંક પર ક્લિક કર્યું, તો તમારો આખો મોબાઇલ હેક થઈ શકે છે અને ત્યાર બાદ તમારી સાથે આર્થિક છેતરપિંડી કે બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ના એસીપી હાર્દિક માંકડિયા એ જણાવ્યું હતું કે સાયબર ગઠિયાઓ તમારા ફોનનો કંટ્રોલ મેળવીને તમારું બેંક ખાતું મિનિટોમાં ખાલી કરી શકે છે. તેથી, નવરાત્રીના ઉત્સાહમાં કોઈ પણ પાર્ટનર માટે કે અજાણ્યા નંબરથી આવેલી લિંક કે APK પાસ માટે ની ફાઈલ ભૂલથી પણ ઓપન ન કરો કેમ કે સાવચેતી એ જ સાયબર સુરક્ષા છે.


Related Posts

Load more