ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી: 60 તાલુકામાં વરસાદ, 15 સપ્ટેમ્બર સુધી 20 જિલ્લામાં ઍલર્ટ

By: Nation Gujarat Team
12 Sep, 2026

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવો વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 15 સપ્ટેમ્બર સુધી 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તેવામાં શનિવારે(12 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પંચમહાલ, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જાણો ક્યાં કેટલો વરસાદ થયો.

છોટા ઉદેપુરમાં લાંબા વિરામ બાદ વરસાદ

લાંબા વિરામ બાદ છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે શનિવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા છોટા ઉદેપુર, પાનવડ સહિત બોડેલી પંથકમાં ધીમીધારે વરસાદ થયો છે. દોઢ માસના વરસાદી વિરામથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. જેમાં અંતરિયાળ વિસ્તારોના મોટાભાગના ખેડૂતો ચોમાસુ પાક પર નિર્ભર છે, ત્યારે છોટા ઉદેપુરમાં લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં હરખ છવાયો છે. અલ-નીનોની અસરથી ચોમાસું નબળું રહેવાની ખેડૂતોની ચિંતા વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસતા પાકને જીવનદાન મળવાની આશા બંધાઈ છે.

મહીસાગરના લુણાવાડામાં વરસાદી ઝાપટું

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ છે. તેવામાં મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વરસાદી ઝાપટું પડ્યું છે. મહીસાગરમાં ધીમીધારે વરસાદ થતાં છેલ્લા એક મહિનાથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

પંચમહાલના ગોધરામાં મેઘમહેર

પંચમહાલમાં એક મહિનાના લાંબા વિરામ બાદ મેઘરાજાની રી-એન્ટ્રી થઈ છે. જેમાં ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. જો કે, અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. મેઘરાજાની રી-એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. વરસાદના આગમનથી પાકને જીવનદાન મળવાની આશા સાથે ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે.

અમરેલીમાં સતત વરસાદી ઝાપટાં

કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની મોટી ઘટ વચ્ચે રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. તેવામાં અમરેલી જિલ્લામાં સતત વરસાદી ઝાપટાં છે. જેમાં જાફરાબાદના ટીંબી, છેલાણા સહિતના ગામોમાં હળવો વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી

ગુજરાતમાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. લો-પ્રેશર, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર સહિત 20 જિલ્લામાં મેઘતાંડવની શક્યતા છે.


Related Posts

Load more