Amreli Ambulance Liquor Case: અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં દારૂની હેરફેર માટે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવેલા એક ચોંકાવનારા નવતર કીમિયાનો બાબરા પોલીસે પર્દાફાશ કર્યો છે. દર્દીઓની તાત્કાલિક હેરફેર માટે વપરાતી એમ્બ્યુલન્સમાં ચોર ખાનું બનાવીને વિદેશી દારૂની ખેપ મારવામાં આવી રહી હોવાની બાતમીના આધારે બાબરા પોલીસે ઊટવડ નજીકથી વિદેશી દારૂથી ભરેલી એમ્બ્યુલન્સ ઝડપી પાડી છે.
સ્ટ્રેચર બેડની નીચે ચોર ખાનું બનાવી સંતાડ્યો હતો દારૂ
મળતી માહિતી અનુસાર, બાબરા પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો મોટો જથ્થો શંકાસ્પદ રીતે લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ઊટવડ ગામ નજીક વોચ ગોઠવીને એમ્બ્યુલન્સ (રજિસ્ટ્રેશન નંબર: GJ-05-AV-5525) ને અટકાવી હતી. પોલીસે એમ્બ્યુલન્સની પાછળ દર્દીની કેબિનમાં તપાસ કરતાં ડ્રાઈવર સીટની પાછળ આવેલા સ્ટ્રેચર બેડની નીચે ખાસ પ્રકારનું ચોર ખાનું બનાવેલું મળી આવ્યું હતું. આ ચોર ખાનામાંથી પોલીસે અલગ-અલગ બ્રાન્ડની કુલ 1968 બોટલ વિદેશી દારૂ (કિંમત 3,56,000 રૂપિયા)ની જપ્ત કરી હતી.
10.66 લાખનો મુદ્દામાલ કબજે, ગોંડલનો શખસ ઝડપાયો
પોલીસે દારૂનો જથ્થો અને હેરફેરમાં વપરાયેલી એમ્બ્યુલન્સ સહિત કુલ 10,66 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે એમ્બ્યુલન્સ ચલાવતા ગોંડલના સાગર ઉર્ફે લાલો કમલેશ ગોહિલ નામના બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં બાબરા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.