કચરો ફેંકવા જતી મહિલાને જર્મન શેફર્ડે બચકું ભર્યું, અમદાવાદના રામોલમાં શ્વાન માલિક સામે કેસ

By: Nation Gujarat Team
05 Sep, 2026

Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાલતુ શ્વાનના હુમલાની ઘટના સામે આવી છે. હરભોળાપાર્ક વિભાગ-2માં કચરો ફેંકવા ઘર બહાર નીકળેલી 54 વર્ષીય મહિલા પર પાડોશીના પાલતુ જર્મન શેફર્ડ શ્વાને અચાનક હુમલો કરી હાથમાં બચકું ભર્યું હતું. ગંભીર રીતે ઘવાયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ ઘટનાને લઈને શ્વાન માલિક સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ જ શ્વાને અગાઉ પણ મહિલા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.

કચરો ફેંકવા બહાર નીકળતા જ શ્વાને હુમલો કર્યો

મળતી માહિતી મુજબ, વસ્ત્રાલના હરભોળાપાર્ક વિભાગ-2માં રહેતા 54 વર્ષીય કપીલાબેન પ્રજાપતિ ગત 4 સપ્ટેમ્બરની સાંજે ઘરમાંથી કચરો લઈને બહાર ફેંકવા માટે ઝાંપા પાસે પહોંચ્યા હતા.

આ દરમિયાન પાડોશમાં રહેતા ધર્મીષ્ઠાબેન પ્રજાપતિનું પાલતુ જર્મન શેફર્ડ શ્વાન અચાનક તેમના તરફ ધસી આવ્યું હતું અને કપીલાબેનના હાથમાં બચકું ભરી લીધું હતું.

અચાનક થયેલા હુમલાથી કપીલાબેન ગભરાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. શ્વાનના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલી કપીલાબેનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ચાર મહિના પહેલા પણ કર્યો હતો હુમલો

આ ઘટનામાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે આજથી આશરે ચાર મહિના પહેલાં પણ આ જ પાલતુ શ્વાને કપીલાબેન પર હુમલો કરી ઈજા પહોંચાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અગાઉની ઘટના બાદ પણ શ્વાનને યોગ્ય રીતે બાંધી રાખવા અથવા તેની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખવામાં આવી ન હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ વખતે પણ સોસાયટીનો ઝાંપો ખુલ્લો હોવાના કારણે શ્વાન બહાર આવી મહિલાને બચકું ભર્યું હોવાની માહિતી સામે આવી છે.

રામોલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

વારંવાર શ્વાનના હુમલાની ઘટના બનતા કપીલાબેન પ્રજાપતિએ રામોલ પોલીસ સ્ટેશનમાં ધર્મીષ્ઠાબેન પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સમગ્ર ઘટનાની હકીકત, શ્વાનને રાખવાની વ્યવસ્થા તેમજ અગાઉની ઘટનાને લઈને પણ તપાસ શરૂ કરી છે.

આ ઘટનાએ રહેણાંક વિસ્તારોમાં પાલતુ શ્વાન રાખતા લોકો દ્વારા જરૂરી સુરક્ષા અને તકેદારી રાખવાની જવાબદારી અંગે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.


Related Posts

Load more