ભાવનગરમાં લઠ્ઠાકાંડ, 6ના મોત: અમદાવાદથી કેમિકલ લાવી વરતેજમાં ‘મોત’ પેક કર્યું, 51 પેટી વેચી

By: Nation Gujarat Team
20 Aug, 2026

Bhavnagar Hooch Tragedy: દારૂબંધી ધરાવતા ગુજરાતમાં વધુ એક વખત ઝેરી દારૂએ લોકોનો ભોગ લીધો છે. ભાવનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં ખુલ્લેઆમ વેચાયેલા કેમિકલયુક્ત ઝેરી નકલી દારૂના કારણે 6 યુવકોનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 21 જેટલા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે અને ગૃહ વિભાગે સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપી દીધી છે. મૃત્યુ આંક હજુ પણ વધે તેવી આશંકા સેવાઈ રહી છે.

રોયલ સ્ટેગની બોટલોમાં ‘મોતનું મિશ્રણ’: 38.59% ઝેરી મિથેનોલ મળ્યું
બુટલેગરોએ બ્રાન્ડેડ રોયલ સ્ટેગ દારૂની ખાલી બોટલો, ઢાંકણા અને સ્ટીકરો મેળવી તેમાં મિથેનોલ મિશ્રિત ઝેરી પ્રવાહી ભર્યું હતું. એફએસએલ અને મેડિકલ તપાસમાં સામે આવ્યું છે કે, ઝેરી અસર પામેલા 10 દર્દીઓના લોહી અને યુરિન સેમ્પલમાં 38.59% જેટલું ઘાતક મિથેનોલ મળી આવ્યું છે. સામાન્ય આલ્કોહોલમાં રહેતું ઇથેનોલ માત્ર 0.94% જ હતું.

કમનસીબી: પોલીસકર્મીની પાર્ટીમાંથી જ લઠ્ઠાકાંડનો ભાંડો ફૂટ્યો

સમગ્ર ઘટનાની જાણકારી પોલીસ કર્મચારી દ્વારા અપાયેલી એક પાર્ટીથી બહાર આવી હતી. 18 ઓગસ્ટના રોજ ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને એલ.સી.બી. દ્વારા તાકીદ કરાઈ હતી. ખરકડી ગામે રહેતા વિજયરાજસિંહ ગોહિલ પોલીસ ભરતીમાં સિલેક્ટ થતાં પોતાના મિત્રો ઉપેન્દ્રસિંહ ગંભીરસિંહ ગોહિલ, હરપાલસિંહ પ્રદીપસિંહ ગોહિલ અને જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને પાર્ટી આપી હતી. જયદીપસિંહ સિવાયના ત્રણ મિત્રોએ રોયલ સ્ટેગ દારૂ પીધો હતો. જેમાં 18 ઓગસ્ટના રોજ ઉપેન્દ્રસિંહનું મોત નીપજ્યું હતું.

અમદાવાદ-વરતેજ-ઉજ્જૈન કનેક્શન: બનાવનાર ખુદ પી ગયો અને મોત થયું

આ આખું રેકેટ આર્થિક લાભ મેળવવા માટે સિન્ડિકેટ રચીને ચલાવવામાં આવતું હતું. વરતેજના નવા પ્લોટ વિસ્તારની આંબલીવાળી શેરીમાં રહેતા બુટલેગર ગૌતમ સોલંકી અને રઈસ વચ્ચે ભાવનગરમાં દારૂ બનાવવાની ડીલ થઈ હતી. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી સફેદ લિક્વિડ, ખાલી બોટલ, ઢાંકણા, સ્ટીકર અને મિથેનોલ મંગાવવામાં આવ્યા હતા. કેમિકલનું મિશ્રણ તૈયાર કરવા માટે ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ ઉર્ફે ડોક્ટર નામના વ્યક્તિને બોલાવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે કેમિકલ મિક્સ કરનાર નરેન્દ્રસિંહે પોતે પણ આ ઝેરી દારૂ પીધો હતો, જેના કારણે 17 ઓગસ્ટે તેની તબિયત લથડી અને 18 ઓગસ્ટે તેનું પણ મોત નીપજ્યું હતું.

51 પેટી વેચાઈ ગઈ: 21 બુટલેગરો સામે ગુનો દાખલ

ટ્રાન્સપોર્ટમાં સામાન આવ્યા બાદ ગૌતમના ઘરે પ્રથમ તબક્કે 51 પેટી દારૂ બનાવવામાં આવ્યો હતો. આ જથ્થો વિવિધ બુટલેગરો મારફતે ગામડાઓમાં સપ્લાય કરવામાં આવ્યો હતો. વરતેજ પોલીસે પી.આઈ. એસ.બી. પઢેરિયાની ફરિયાદ પર 21 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. સંડોવાયેલા મુખ્ય આરોપીઓમાં ગૌતમ સોલંકી, રઈસ, મનોજ, જતીન સોલંકી, ગણેશ, અમન, ઝુબેર, નરેન્દ્રસિંહ ઉર્ફે ડોક્ટર (મૃતક), ધર્મેન્દ્રસિંહ ગોહિલ, જગદીપ કનૈયાલાલ, વિવેક સોલંકી, અર્જુનસિંહ, સંજય ચાવડા, જયદીપ મકવાણા, બાર્બવ કનૈયાલાલ, હેવલ સોલંકી, રોહિતભાઈ ચોહાણ, કેવલ સોલંકી, સુખદેવ સોલંકી અને હાર્દિક બારૈયા સામેલ છે.


Related Posts

Load more