નીટ પેપર લીક વિવાદ ફક્ત પરીક્ષા ગડબડી સુધી જ સીમિત નહતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી દેશના રાજકારણમાં મોટી હલચલ બની ચૂક્યો હતો. જંતર મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન, સંસદનું સતત ઠપ થવું, વિપક્ષનું રસ્તાઓ પર ઉતરવું અને હવે શિક્ષણમંત્રીનું પોતે રાજીનામું આપવું. પરંતુ શું તમે જાણો છે કે ધર્મેન્દ્ર પ્રધાન સામે આજે પેપરલીકને મુદ્દે જે હંગામો અને વિરોધ પ્રદર્શન થયું અને આખરે રાજીનામું ધરવું પડ્યું, એ જ પેપરલીક મુદ્દે તેમણે વર્ષો પહેલા વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખાસ જાણો.
વાત છે 1997ની
આ ત્યારની વાત છે જ્યારે 1997માં ઓડિશામાં કોંગ્રેસની સરકાર હતી. ત્યારે મુખ્યમંત્રી હતા જાનકી વલ્લભ પટનાયક. ભુવનેશ્વરમાં સીએમ આવાસ પર થોડે દૂર 1500 જેટલા વિદ્યાર્થીઓ પેપરલીક મુદ્દે ભેગા થયા હતા. પેપરલીકના વિરોધમાં રાજ્ય સચિવાલયની બહાર પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓમાં હાલ જેમણે શિક્ષણમંત્રી પદેથી રાજીનામું આપ્યું તે ધર્મેન્દ્ર પ્રધાન પણ સામેલ હતા.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પ્રધાને આરએસએસના વિદ્યાર્થી જૂથ એટલે કે છાત્ર સંગઠન એબીવીપી સાથે જોડાયેલા નેતા તરીકે 1997માં ઓડિશા સરકાર વિરુદ્ધ થયેલા પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેમના જ નેતૃત્વમાં આ પ્રદર્શન થયું હતું. પ્રધાને ઉત્કલ યુનિવર્સિટીથી એન્થ્રોપોલોજીનો અભ્યાસ કર્યો છે. નવેમ્બર 1994થી 1977માં બેવાર એબીવીપીના રાષ્ટ્રીય સચીવ રહી ચૂક્યા છે.
1997માં થયેલા વિરોધ પ્રદર્શનને યાદ કરતા તેમના જૂનિયર પ્રશાંત રાઉતના હવાલે ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે સચિવાલય સામે ઓડિશા સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. લગભગ 1500 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. કાર્યવાહી પહેલા વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ ચાલ્યું હતું.
પીટાઈથી ફ્રેક્ચર થયું હતું
રાઉતે કહ્યું હતું કે તે સમયે પ્રધાનની ખુબ ખરાબ રીતે પીટાઈ થઈ હતી. તેમને ફ્રેક્ચર પણ થયું હતું. તે સમયે કેમ્પસ ચૂંટણી હિંસક થઈ જતી હતી. એવું કહેવાય છે કે તે સમયે એ નક્કી થઈ ગયું હતું કે પ્રધાન જીતવાના છે, તો જનતા દળના સપોર્ટર્સે તેમના પર હુમલો કર્યો હતો. તેઓ આજે ફક્ત ભાગ્યથી જીવિત છે. હવે આ જ ધર્મેન્દ્ર પ્રધાને આજે નીટ યુજી પેપરલીક મુદ્દે શિક્ષણમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું.
શિક્ષણમંત્રી પદેથી આપ્યું રાજીનામું
અત્રે જણાવવાનું કે NEET-UG પરીક્ષા પેપર લીક અને ગેરરીતિઓના વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી દિલ્હીના જંતર-મંતર ખાતે હજારો વિદ્યાર્થીઓ અને યુવાનો આંદોલન પર બેઠા હતા. ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું. જંતર-મંતર પર પ્રદર્શનકારીઓની એક જ મુખ્ય માંગ હતી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે. આ આંદોલનને વેગ આપવા માટે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે પણ લાંબી ભૂખ હડતાળ અને પ્રદર્શન કર્યું હતું. આંદોલન દરમિયાન દિલ્હી પોલીસે સખત કાર્યવાહી કરતા તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને હજારો પ્રદર્શનકારીઓ જંતર-મંતર પર ઉમટી પડ્યા હતા. 20 જુલાઈએ સંસદ માર્ચ અને ઉગ્ર વિરોધ પ્રદર્શનોને કારણે કેન્દ્ર સરકાર પર ભારે દબાણ વધ્યું હતું. સ્થિતિની ગંભીરતા જોતાં કેન્દ્ર સરકારે મંત્રીઓ જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહને વાટાઘાટો માટે મેદાનમાં ઉતાર્યા હતા. CJP ના પ્રતિનિધિઓ (આશુતોષ રાંકા અને સૌરભ દાસ) સાથે કોન્સ્ટીટ્યુશન ક્લબમાં બેઠકો યોજાઈ હતી.
બેઠકમાં પ્રદર્શનકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે શિક્ષણ મંત્રીનું રાજીનામું ‘બિન-વાટાઘાટયોગ્ય’ (Non-negotiable) છે અને તેનાથી ઓછું કઈ સ્વીકાર્ય નથી. સરકારે વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ કેસો પાછા ખેંચવા અને પીડિત પરિવારને વળતર આપવાની માંગણીઓ પર સકારાત્મક વલણ દાખવ્યું હતું. જો કે, મંત્રીના રાજીનામા પર અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે જો ત્વરિત નિર્ણય નહીં લેવાય તો આંદોલન વધુ વ્યાપક બનાવવામાં આવશે. આખરે જંતર-મંતરના સતત દબાણ અને દેશવ્યાપી રોષ આગળ ઝૂકીને સરકારે આ મોટો નિર્ણય લીધો છે. વિપક્ષો અને છાત્ર સંઘો દ્વારા આને વિદ્યાર્થીઓની ઐતિહાસિક અને મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. જંતર-મંતર પર છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા આ ધરણા અને સંઘર્ષનો અંત ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે આવ્યો છે.
ટાઈમલાઈન: સંસદ સુધી કેવી રીતે પહોંચ્યો NEET વિવાદ
3 મે: દેશભરમાં NEET-UG 2026 પરીક્ષા યોજાઈ. આશરે 20 લાખ વિદ્યાર્થીઓ સામેલ થયા.
12 મે: પેપર લીકના આરોપોના કારણે પરીક્ષા રદ કરી રી-એક્ઝામની જાહેરાત કરવામાં આવી.
15 મે: CJI જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે બેરોજગાર યુવાનો કોકરોચની જેમ દરેક જગ્યાએ ફેલાઈ જાય છે.
16 મે: અભિજીત દીપકે ‘કોકરોચ જનતા પાર્ટી’ નામે સોશિયલ મીડિયા મૂવમેન્ટ શરૂ કર્યું.
6 જૂન: કોકરોચ પાર્ટીએ શિક્ષણ મંત્રી વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર પહેલું પ્રદર્શન કર્યું.
20 જૂન: કોકરોચ પાર્ટીએ જંતર-મંતર પર બીજું વિરોધ પ્રદર્શન કર્યું.
28 જૂન: કોકરોચ પાર્ટીનું સમર્થન કરી રહેલા સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક અનશન પર બેઠા.
28 જુલાઈ: સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે CJPએ ‘ચલો સંસદ’ માર્ચ કાઢી. હજારો લોકો પર પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો.
21 જુલાઈ: રાહુલ, પ્રિયંકા અને અખિલેશ યાદવે PM આવાસ બહાર પ્રદર્શન કર્યું, તેમને કસ્ટડીમાં લેવાયા.
21 જુલાઈ: સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષે NEET, લાઠીચાર્જ અને શિક્ષણ મંત્રીના રાજીનામાનો મુદ્દો ઉઠાવ્યો, બંને ગૃહમાં હોબાળો થયો.
22 જુલાઈ: વિપક્ષે સંસદમાં સતત ત્રીજા દિવસે પ્રદર્શન ચાલુ રાખ્યું અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ દોહરાવી.
23 જુલાઈ: PM નરેન્દ્ર મોદીએ પેપર લીક મામલાઓ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવાની જાહેરાત કરી. વિપક્ષ શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ પર અડગ રહ્યો.
24 જુલાઈ: પેપર લીક વચ્ચે NTAએ 47 અધિકારીઓને બરતરફ કરી દીધા. એમની સામે કેસ પણ નોંધાશે.