Ahmedabad News: મણિનગરની બે શાળાના કેમ્પસમાં રાત્રે ગરબાની પ્રેક્ટિસની ફરિયાદ, DEOએ નોટીસ ફટકારી

By: Nation Gujarat Team
25 Sep, 2026

આગામી સમયમાં માં અંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થશે. આ પહેલા જ ગરબાના ક્લાસિસ અને ગરબાની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. જેના માટે લોકો જાહેર પરિસરોનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં શાળાઓમાં ચાલી રહેલી બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓને લઈને જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે. શહેરના મણીનગર વિસ્તારમાં સ્થિત જાણીતી જયાબેન દેવી અને શેઠ હીરાલાલ કન્યા વિદ્યાલય સામે ગંભીર આક્ષેપો સામે આવતાં શિક્ષણ તંત્ર હરકતમાં આવ્યું છે. આ બંને સ્કૂલોને શહેરના ડીઈઓ દ્વારા શો કોઝ નોટીસ ફટકારવામાં આવી છે.

રાત્રિના સમયે ગરબાની પ્રેક્ટિસનો આક્ષેપ

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના મણીનગર વિસ્તારની આ બંને શાળાના શૈક્ષણિક કેમ્પસમાં નિયમો વિરુદ્ધ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાના આક્ષેપો થયા છે.ખાસ કરીને,શાળાના પરિસરમાં રાત્રિના સમયે ગરબાની પ્રેક્ટિસ કરાવાતી હોવાની ફરિયાદો ઉઠી હતી.શૈક્ષણિક સંકુલમાં આ પ્રકારે ગરબાના આયોજન માટે મંજૂરી આપવામાં આવતી હોવાથી શાળાના મેદાન,વર્ગખંડો તેમજ અન્ય આંતરમાળખાકીય સુવિધાઓના દુરુપયોગ અંગે ભારે સવાલો ઉભા થયા છે.વિદ્યાર્થીઓના અભ્યાસ અને શિસ્તને અસર કરતી આ બાબતને તંત્રએ અત્યંત ગંભીરતાથી લીધી છે.

કન્યા વિદ્યાલયને કારણદર્શક નોટિસ

આ સમગ્ર વિવાદને પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સંબંધિત કન્યા વિદ્યાલયને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.નોટિસમાં શાળા સંચાલકોને તાકીદ કરવામાં આવી છે કે આગામી 28 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે તેઓ રૂબરૂ હાજર રહીને આ મામલે પોતાનો સ્પષ્ટ ખુલાસો રજૂ કરે.આ મામલે જો શાળા પક્ષ તરફથી કોઈ સંતોષકારક જવાબ નહીં રજૂ થાય કે પછી નિયત સમયે ગેરહાજરી નોંધાશે તો પ્રવર્તમાન નિયમો અને શૈક્ષણિક ધારાધોરણો મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારે થતી વ્યાવસાયિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓ સામે તંત્રની આ કડક કાર્યવાહીથી અન્ય શાળાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.


Related Posts

Load more