દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 213 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે. વલસાડના ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં આભ ફાટ્યું હોય તેમ 35.67 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જિલ્લાના કપરાડામાં 28.78 ઈંચ, નાનાપોંઢામાં 25.31 ઈંચ અને ધરમપુરમાં 19.65 ઈંચ વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યારે આજે (23મી જુલાઈ) માત્ર બે કલાકમાં ઉમરગામમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે
ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી 9 મીટરની ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. પૂરના ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી 200થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓમાં પણ જળસ્તર સતત વધી રહ્યું હોવાથી સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં 22મી જુલાઈએ 150થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યા બાદ 23મી જુલાઈએ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે રેડ ઍલર્ટ અપાયું છે. 11 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.