Diesel Price Hike: દેશભરમાં ઇંધણના ભાવ ફરી એકવાર વધતા લોકો પર બોજ વધ્યો છે. પ્રીમિયમ પેટ્રોલ બાદ હવે પ્રીમિયમ ડીઝલ પણ મોંઘું થયું છે.
ઓઇલ કંપનીઓએ સોમવાર મધ્યરાત્રિથી પ્રીમિયમ ડીઝલના ભાવમાં આશરે 1.50 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. આ નિર્ણય આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ અને રૂપિયાના વિનિમય દરને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. નવી કિંમતો લાગુ થતા હવે પ્રીમિયમ ડીઝલ વધુ મોંઘું બન્યું છે.
નવી કિંમતો મુજબ XtraGreen પ્રીમિયમ ડીઝલ હવે 91.49થી વધીને 92.99 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. સાથે જ XP100 પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. પેટ્રોલના ભાવમાં 11 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને જે હવે 160 પ્રતિ લિટર સુધી પહોંચી ગયું છે. દિલ્હીમાં પ્રીમિયમ ડીઝલનો ભાવ અંદાજે 95-96 રૂપિયા પ્રતિ લિટર સુધી ગયો છે. આ વધારાની સીધી અસર પરિવહન, લોજિસ્ટિક્સ અને ખેતી સાથે જોડાયેલા લોકો પર પડશે.
પ્રીમિયમ ડીઝલ વધુ માઇલેજ અને સારી કામગીરી માટે જાણીતું છે. પરંતુ વધતા ભાવને કારણે તેનો ઉપયોગ હવે મર્યાદિત થઈ શકે છે. નોંધનીય છે કે અગાઉ પણ 20 માર્ચે પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. હાલ સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. પરંતુ વૈશ્વિક પરિસ્થિતિને કારણે આગળ પણ ભાવમાં ફેરફાર શક્ય છે.
ઘેરબેઠા પણ ગ્રાહકો પોતાના શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકે છે. જો તમે ઇન્ડિયન ઓઇલના ગ્રાહક છો તો RSP સાથે તમારા શહેરનો કોડ લખીને 9224992249 પર SMS કરો. જો તમે BPCLના ગ્રાહક છો તો RSP લખીને 9223112222 પર SMS મોકલી શકો છો.