ટી20 વર્લ્ડકપ-2026ની બીજી સેમિ ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 253 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 246 રન કરી શકી હતી. આજની મેચ સંજૂ સેમસને ફરી વિસ્ફોટ ઈનિંગ રમી ફિફ્ટી ફટકારી હતી. જ્યારે મિડલમાં આવેલા હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને તિલક વર્માએ પણ દમદાર બેટિંગ કરીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તો ઈંગ્લેન્ડ તરફથી જેકોબ બેથેલે વિસ્ફોટક બેટિંગ કરીને 48 બોલમાં આઠ ફોર અને સાત સિક્સ સાથે 105 રન નોંધાવ્યા હતા.
ભારત તરફથી ઓપનિંગમાં આવેલા સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતા માત્ર 42 બોલમાં 8 ફોર અને 7 સિક્સની મદદથી સૌથી વધુ 89 રન ફટકાર્યા હતા. અભિષેક શર્માએ 7 બોલમાં 2 ફોર સાથે 9 રન બનાવ્યા, જ્યારે ઈશાન કિશને 18 બોલમાં 4 ફોર અને 2 સિક્સના સહારે 39 રનનું યોગદાન આપ્યું હતું. શિવમ દુબેએ 25 બોલમાં 1 ફોર અને 4 સિક્સ ફટકારી 43 રન બનાવ્યા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે 6 બોલમાં 1 સિક્સ સાથે 11 રન કર્યા હતા. મધ્યક્રમમાં હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 27 રન તથા તિલક વર્માએ માત્ર 7 બોલમાં 3 સિક્સ સાથે 21 રન ફટકારી સ્કોરને મજબૂતી આપી હતી. અંતમાં અક્ષર પટેલે 2 બોલમાં 2 રન અને વરૂણ ચક્રવર્તીએ 1 બોલમાં 0 રન બનાવી અણનમ રહ્યા હતા.
જોફ્રા આર્ચર ખર્ચાળ બોલર સાબિત થયો
ઈંગ્લેન્ડના બોલર આદિલ રાશિદે 41 રન આપીને બે વિકેટ અને વિલ જેક્સે 40 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચરે 4 ઓવરમાં 61 રન આપીને 1 વિકેટ મેળવી હતી, જે આ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન આપનાર બોલર રહ્યો હતો. અન્ય બોલરોમાં જેમી ઓવર્ટને 3 ઓવરમાં 36 રન અને સેમ કરને 4 ઓવરમાં 53 રન આપ્યા હતા, પરંતુ આ બંનેમાંથી કોઈને વિકેટ મળી નહોતી. લિયામ ડોસને માત્ર 1 ઓવર ફેંકી હતી જેમાં તેણે 19 રન આપ્યા હતા.
ઈંગ્લેન્ડ તરફથી ઓપનિંગમાં આવેલા ફિલ સોલ્ટે ત્રણ બોલમાં એક ફોરની મદદથી 5 રન, જોશ બટલરે 17 બોલમાં ચાર ફોર અને એક સિક્સ સાથે 25 રન, સુકાની હેરી બ્રુકે છ બોલમાં એક ફોર સાથે સાત રન, જેકોબ બેથેલે 48 બોલમાં આઠ ફોર અને સાત સિક્સ સાથે 105 રન, ટોમ બાન્ટને પાંચ બોલમાં એક ફોર અને બે સિક્સ સાથે 17 રન, વિલ જેક્સે 20 બોલમાં 4 ફોર અને 2 સિક્સ સાથે 35 રન, સેમ કરને 14 બોલમાં બે ફોર સાથે 18 રન નોંધાવ્યા છે.
હાર્દિક પંડ્યાની બે વિકેટ
ભારત તરફથી અર્શદીપ સિંહે ચાર ઓવરમાં 51 રન આપીને એક વિકેટ, જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં 33 રન આપીને એક વિકેટ, વરુણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 64 રન આપીને એક વિકેટ, જ્યારે હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં 38 રન આપીને બે વિકેટ અને અક્ષર પટેલે ચાર ઓવરમાં 35 રન આપીને એક વિકેટ ઝડપી હતી. જ્યારે મેચની છેલ્લી ઓવર નાખનાર શિવમ દુબેએ એક ઓવરમાં 22 રન આપ્યા હતા.
અક્ષર પટેલની ખતરનાક ફિલ્ડિંગ, બાઉન્ડ્રી લાઈન પર કર્યો જબરદસ્ત કેચ
બીજી સેમિફાઈનલમાં અક્ષર પટેલે પોતાની ફિલ્ડિંગથી અદભૂત પ્રદર્શન કરીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. ખાસ કરીને 13.6 ઓવરમાં તેણે વિલ જેક્સનો જે કેચ કરાવ્યો તે અત્યંત આશ્ચર્યજનક હતો. અર્શદીપ સિંહની બોલિંગમાં જ્યારે જેક્સે સિક્સ ફટકારવાનો પ્રયાસ કર્યો ત્યારે અક્ષર પટેલે બાઉન્ડ્રી લાઈન પર દોડીને હવામાં ઉછળી બોલને પકડ્યો હતો. સંતુલન ગુમાવતા હોવા છતાં તેણે બાઉન્ડ્રી બહાર પડતા પહેલા બોલ શિવમ દુબે તરફ ફેંક્યો અને અશક્ય લાગતો કેચ કરાવ્યો હતો. આ ઉપરાંત અક્ષરે મેચની શરૂઆતમાં જ ફિલ સોલ્ટ અને ત્યારબાદ ઈંગ્લેન્ડના સુકાની હેરી બ્રુકના શાનદાર કેચ પકડીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. સોશિયલ મીડિયા પર ફેન્સ અક્ષરની આ મેજિકલ ફિલ્ડિંગના મન ભરીને વખાણ કરી રહ્યા છે.
સંજૂ સેમસને ટીમને સેમિ-ફાઈનલ બાદ ફાઈનલમાં પણ પહોંચાડી
ઓપનિંગમાં આવેલા સંજુ સેમસને ઈંગ્લેન્ડ સામેની મેચમાં વિસ્ફોટ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી શકી છે. તેણે આક્રમક બેટિંગ કરતા માત્ર 42 બોલમાં 8 ફોર અને 7 સિક્સની મદદથી સૌથી વધુ 89 રન ફટકાર્યા છે. આ પહેલા સુપર-8ની મેચમાં સંજૂએ અણનમ 97 રન નોંધાવ્યા હતા, જેના કારણે ટીમ ઈન્ડિયા સેમિ-ફાઈનલ સુધી પહોંચી શકી છે.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સતત ત્રીજી સેમિ ફાઈનલ
આ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સતત ત્રીજા ટી20 વર્લ્ડકપની સેમિ ફાઈનલ છે. અગાઉ બંને દેશો 10 નવેમ્બર 2022ના રોજ એડીલેડમાં રમાયેલી ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાયા હતા, ત્યારે ઈંગ્લેન્ડ 10 વિકેટથી જીત્યું હતુ. આ પછી બંને દેશો વચ્ચે 27મી જુન, 2024ના રોજ વિન્ડિઝના પ્રોવિડેન્સમાં ટી20 વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં ટક્કર થઈ હતી અને તેમાં ભારત 68 રનથી જીત્યું હતુ.
ભારત 2007-2024માં ટી20 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું હતું
ટીમ ઈન્ડિયા 2007 અને 2024ના ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી, જ્યારે 2014માં ભારતને રનરઅપ ટાઈટલથી સંતોષ માનવો પડ્યો હતો. વર્તમાન સ્થિતિ મુજબ ટીમ ઈન્ડિયાનો બેટિંગ પાવર મજબૂત છે, જ્યારે બોલિંગ પાવરમાં અનેક નબળાઈઓ સામે આવી છે. જ્યારે આ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડને બેટિંગ અને બોલિંગ પાવર મજબૂત જોવા મળ્યો છે. વર્લ્ડકપ-2026ની ગ્રૂપ મેચોમાં ભારતે ચારમાંથી ચાર તો ઈંગ્લેન્ડે ચારમાંથી ત્રણ મેચો જીતી છે, જ્યારે સુપર-8ના તબક્કામાં ભારતે ભારતે ત્રણમાંથી બે અને ઈંગ્લેન્ડે ત્રણમાંથી ત્રણેય મેચ જીતી છે.