ઈડર પાલિકાના પ્રમુખ સામે ભાજપના સભ્યોમાં રોષ, રાજીનામા આપવાની તૈયારી

By: Nation Gujarat Team
08 Oct, 2026

સાબરકાંઠા જિલ્લાની ઈડર નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપનો ગંભીર આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 28 માંથી 27 સીટો પર ભવ્ય વિજય મેળવીને સત્તા પર આવેલી ભાજપની ટીમમાં જ હવે મોટી તિરાડ પડી હોવાનું સામે આવ્યું છે.પાલિકા પ્રમુખ દ્વારા ચલાવવામાં આવતા એકહથ્થુ શાસન અને મનસ્વી વહીવટ સામે પક્ષના જ સદસ્યોમાં તીવ્ર આક્રોશ અને નારાજગી વ્યાપી ગઈ છે.

સાફ-સફાઈ અંગે મોટા મોટા દાવા

છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓ,સાફ-સફાઈ અને વિકાસકામોને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યથી લઈને રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધાઓ ઠપ્પ હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશો દ્વારા સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.ઈડર નગરપાલિકાના પ્રમુખ દ્વારા નગરના વિકાસ અને સાફ-સફાઈ અંગે મોટા મોટા દાવા કરવામાં આવે છે.પરંતુ વાસ્તવિકતામાં આ તમામ દાવાઓ સંપૂર્ણપણે પોકળ સાબિત થયા છે.પ્રમુખ અને જવાબદાર અધિકારીઓ સદસ્યોની રજૂઆતોને સતત અણદેખી કરતા હોવાથી સદસ્યો લાચારી અનુભવી રહ્યા છે.

સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં પોતાનો આક્રોશ ઠાલવ્યો

પાલિકાના શાસન અને વહીવટી નિષ્ફળતાથી કંટાળેલા સદસ્યોએ આખરે નગરપાલિકાના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.લોકકામો ન થવાના કારણે પ્રજાના રોષનો ભોગ બનવું પડતું હોવાથી અને અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા કેટલાંક સદસ્યોએ પોતાના પદ પરથી રાજીનામા ધરી દેવાની પણ તૈયારી દર્શાવી દીધી છે.ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ રાજીનામાની ચીમકી આપી રહ્યા હોવાના સમાચાર વાયરલ થતાં જ ઈડર શહેર અને જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપના જ પોતાના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ શાસન સામે બળવો કરી રહ્યા હોવાના ઘટનાક્રમથી સંગઠનની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. ભાજપના મોવડીમંડળ અને સ્થાનિક સંગઠન દ્વારા આ આંતરિક વિવાદને સમસમાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.


Related Posts

Load more