Donald Trump and USA News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે કેરેબિયન દેશ ક્યુબા સામે આર્થિક યુદ્ધ છેડી દીધું છે. ટ્રમ્પે એક આકરા આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત ક્યુબાને ઓઈલ સપ્લાય કરનારા દેશો પર ભારે ટેરિફ અને પ્રતિબંધો લાદવાની ચેતવણી આપવામાં આવી છે.
ટ્રમ્પનો આકરો આદેશ અને ‘ઝીરો’ સપ્લાયની નીતિ
ડોનાલ્ડ ટ્રમ્પે ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ હેઠળ ક્યુબા વિરુદ્ધ એક કડક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે તેમના ‘ટ્રુથ સોશિયલ’ એકાઉન્ટ પર સ્પષ્ટ શબ્દોમાં પોસ્ટ કરી છે કે, “ક્યુબાને હવે કોઈ ઓઈલ કે પૈસા નહીં જાય – ઝીરો!”. આ આદેશમાં ક્યુબાની કમ્યુનિસ્ટ સરકારને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ગણાવવામાં આવી છે. ટ્રમ્પનો આરોપ છે કે ક્યુબા રશિયા, ચીન અને ઈરાન જેવા શત્રુ દેશો સાથે મળીને હમાસ અને હિઝબુલ્લાહ જેવા આતંકી સંગઠનોને સમર્થન આપી રહ્યું છે.
મેક્સિકોને પણ નમવું પડ્યું?
ટ્રમ્પના આ આદેશની અસર તુરંત જ જોવા મળી છે. મેક્સિકોએ ક્યુબાને આપવામાં આવતી ઓઈલની સપ્લાય અસ્થાયી રૂપે રોકી દીધી છે. મેક્સિકોની રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબાઉમે આ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નિર્ણય કોઈ અમેરિકાના દબાણને કારણે નથી લેવાયો પરંતુ વર્તમાન જરૂરિયાતો મુજબ લેવામાં આવ્યો છે. જોકે, નિષ્ણાતો માને છે કે અમેરિકા દ્વારા સંભવિત ટેરિફના ડરથી મેક્સિકોએ આ પગલું ભર્યું છે, કારણ કે મેક્સિકો ક્યુબાની ઓઈલની જરૂરિયાતનો 44% હિસ્સો પૂરો પાડતું હતું.
ક્યુબામાં ઈંધણનું ગંભીર સંકટ
ક્યુબા અત્યારે 1959ની ક્રાંતિ પછીના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અગાઉ જાન્યુઆરી 2025માં વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અમેરિકામાં ધરપકડ થયા બાદ ત્યાંથી આવતી 33% ઓઈલ સપ્લાય બંધ થઈ ગઈ હતી. હવે મેક્સિકો અને રશિયા (10%) જેવા મુખ્ય સ્ત્રોતો પર પણ જોખમ હોવાથી ક્યુબામાં વીજળી કાપ, ખાદ્ય અને પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. ક્યુબન રાજદ્વારીઓએ અમેરિકા પર કેરેબિયનમાં ‘આંતરરાષ્ટ્રીય ડાકુગીરી’ કરવાનો આરોપ લગાવ્યો છે.
શું હવે ક્યુબાએ સમજૂતી કરવી પડશે?
ટ્રમ્પે ક્યુબાને સલાહ આપી છે કે આ રાષ્ટ્ર અત્યારે નિષ્ફળતાના આરે છે અને તેમણે અમેરિકા સાથે સોદો (Deal) કરી લેવો જોઈએ. અમેરિકાનું લક્ષ્ય હવાના પર આર્થિક દબાણ એટલું વધારવાનું છે કે તે રશિયા અને ચીનનો સાથ છોડી દે. જો આગામી દિવસોમાં ઓઈલનો પુરવઠો શરૂ નહીં થાય, તો ક્યુબાની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડવાની આશંકા છે.