અમેરિકા ટેરિફ વોર : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ટેરિફનો ઉપયોગ હથિયારની જેમ કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી હતી. વાસ્તવમાં ટ્રમ્પને રશિયાથી વાંધો છે, તેથી જ તેમણે રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદનાર ભારત પર મસમોટો ટેરિફ ઝિંક્યો છે. ટ્રમ્પનો આક્ષેપ છે કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદીને તેને ગ્લોબલ માર્કેટમાં વેંચી મોટો નફો મેળવી રહ્યો છે.
ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ખરીદનાર ભારત પર ભારે ટેરિફ ઝિંક્યો છે, જોકે ચીન પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે, તો શું તેઓ ભારત જેવો ટેરિફ ચીન પર ઝિંકશે? ટ્રમ્પે હજુ સુધી ચીન પર ભારત જેવો ટેરિફ લાદવાની કોઈ જાહેરાત કરી નથી, હજુ સુધી તેમણે આ મામલે કોઈ નિર્ણય લીધો નથી. તેથી શું આમ ન કરવાનું કારણ ટ્રમ્પની કોઈ મજબૂરી છે ? જો તેઓ ભારત જેવો ટેરિફ ચીન પર ઝિંકવા માંગતા નથી, તો તેની પાછળના કારણો શું છે? હવે આ મામલે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સે જવાબ આપ્યો છે.
ચીન પર ભારત જેવો ટેરિફ ન ઝિંકવા મામલે ઉપ રાષ્ટ્રપતિ જે.ડી.વેન્સ નું કહેવું છે કે, જો અમેરિકા ચીન પર ટેરિફ ઝિંકશે તો અનેક ઉત્પાદનોને અસર થઈ શકે છે. તેમણે કહ્યું કે, ‘ચીન પર ભારત જેવો ટેરિફ ઝિંકવા મામલે હજુ સુધી કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી, કારણ કે બીજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધો અનેક ઉત્પાદનોને અસર કરી શકે છે અને તે ઉત્પાદનોનું રશિયા સાથે કોઈ લેવા દેવા નથી. ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ ચીન પર ટેરિફ ઝિંકવા મામલે વિચારી રહ્યા છે, જોકે હજુ સુધી તેમણે કોઈ નક્કર નિર્ણય લીધો નથી.’
જ્યારે વેન્સને એમ પૂછવામાં આવ્યું કે, શું અમેરિકાએ ભારત પર જેવો ટેરિફ ઝિંક્યો છે, તેવો ચીન પર પણ લાદશે? તો વેન્સે સ્પષ્ટ કહ્યું કે, ‘ચીનનો મુદ્દો ખૂબ મુશ્કેલી ભર્યો છે , કારણ કે ચીન સાથેના અમારા સારા સંબંધો છે, તેથી અનેક ઉત્પાદનોને અસર થઈ શકે છે અને તેનું રશિયા સાથે કોઈ લેવા-દેવા નથી. ટ્રમ્પ પોતાના વિકલ્પો અંગે સમીક્ષા કરી રહ્યા છે અને નિશ્ચિત થઇ ને તેઓ જ્યારે નિર્ણય લેશે, ત્યારે આવું કરશે.’