ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો છે. ઇઝરાયલી સેનાએ ઇરાનની રાજધાની તેહરાન પર બોમ્બથી હુમલો કર્યો છે. આ ઉપરાંત, ઇઝરાયલે ઇરાની સૈન્ય ઠેકાણાઓ અને પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.
શુક્રવારે સવારે ઇઝરાયલે કહ્યું કે તેણે ઇરાન પર હુમલો કર્યો છે. ઇરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તેહરાનમાં વિસ્ફોટો સંભળાયા હતા. ઇઝરાયલે કહ્યું કે તેહરાન દ્વારા મિસાઇલ અને ડ્રોન હુમલાની અપેક્ષાએ તે કટોકટીની સ્થિતિ જાહેર કરી રહ્યું છે. ઇઝરાયલી લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે ઇઝરાયલ “ડઝન” પરમાણુ અને લશ્કરી લક્ષ્યો પર હુમલો કરી રહ્યું છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ઇઝરાયલે ઇરાન માટે પરમાણુ બોમ્બ બનાવતા વૈજ્ઞાનિકો પર પણ હુમલો કર્યો છે. આ હુમલા પછી, ઇરાકે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. હવે ઇરાકના તમામ એરપોર્ટ બંધ છે. ક્યાંયથી વિમાનોની અવરજવર નથી.
ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, ઇઝરાયલી હુમલા બાદ ઇરાને રાજધાનીના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ઇમામ ખોમેની પર ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે, કારણ કે તેહરાનની આસપાસ જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા.
ઈરાનના સરકારી અખબાર નૂર ન્યૂઝે પુષ્ટિ આપી છે કે શુક્રવારે સવારે તેહરાનના ઉત્તરપૂર્વમાં વિસ્ફોટ થયો હતો. બે યુએસ અધિકારીઓએ રોઇટર્સને પુષ્ટિ આપી હતી કે “ઇઝરાયલે ઈરાનમાં હુમલા કર્યા છે” અને સ્પષ્ટપણે કહ્યું હતું કે “તેમાં અમેરિકાની કોઈ સંડોવણી કે મદદ નહોતી.” ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાથી મધ્ય પૂર્વમાં તણાવમાં અભૂતપૂર્વ વધારો થયો છે.