Germany Rostock Beach: દુનિયાના વિવિધ દેશોમાં આવેલા સુંદર દરિયા કિનારાઓ માટે વિવિધ નિયમો બનાવવામાં આવ્યા છે. કેટલાક સમુદ્ર કિનારાઓ ઉપર લોકોને ન્યૂડ ફરવા દેવા ઉપર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. તો બીજી તરફ દુનિયાના એવા ઘણા બિચ છે જેના ઉપર લોકોને વધારે કપડાં પહેરવા દેવામાં આવતા નથી. જર્મનીમાં એવો દરિયા કિનારો છે જ્યાં લોકોએ જરૂર કરતા વધારે કપડાં પહેર્યા હોય તો તેમને બીચ ઉપર પ્રવેશ આપવામાં આવતો નથી. જર્મનીના રોસ્ટોકમાં દરિયા કિનારા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ત્યાં દરિયા કિનારાના વોર્ડનને હવે કેટલાક નવા અધિકારો આપવામાં આવ્યા છે. નવા નિયમો જણાવે છે કે, રોસ્ટોક ખાતે પ્રકૃતિવાદીઓ માટે જે સમુદ્ર કિનારા નક્કી કરવામાં આવ્યા છે ત્યાં વધારે કપડાં પહેરીને ફરતા લોકોને વોર્ડન બહાર કાઢી શકાશે. જે લોકો સ્વીમ સ્યૂટ અને કવરઅપ પહેરીને ફરતા હશે તેમના ઉપર પ્રતિબંધ મૂકી શકશે.
અહેવાલો પ્રમાણે જર્મનીના સમુદ્ર કિનારાઓ ઉપર નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પ્રકૃતિવાદીઓમાં સમુદ્ર કિનારા ખૂબ જ લોકપ્રિય છે અને તેમાંય તેઓ કુદરતી રીતે જ શરીરની સ્વીકૃતિ અને નગ્નતામાં વિશ્વાસ કરતા હોય છે. જર્મનીના બાલ્ટિક સાગર કિનારા ઉપર રોસ્ટોકમાં ન્યૂડિસ્ટ અને પ્રકૃતિવાદીઓ માટે વિશેષ બીચ બનાવવામાં આવ્યા છે. તેના કારણે જ આ લોકોને સ્પેસ આપવા અને તેમની માનસિકતાને હાનિ ન પહોંચે તે માટે વોર્ડનને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. તેઓ આ બિચ ઉપર વધારે કપડાં પહેરેલા લોકોને પ્રવેશવા દેશે નહીં. રોસ્ટોકની ટૂરિઝમ ઓથોરિટીએ સ્થાનિક તંત્રને નવી નિયમાવલી સોંપી છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, આ બિચ માત્ર ન્યૂડિસ્ટ લોકો માટે રિઝર્વ છે. અહીંયા કપડાં પહેરીને નહાવું કે તડકામાં બેસવાની મનાઈ છે.
એક મીડિયા અહેવાલ અનુસાર, આ બીચ મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. લોકો વચ્ચે આ બીચ મામલે ચડસાચડસી ઉભી થયેલી હતી તેનો નિકાલ લાવવો જરૂરી હતો. આ બીચ મુદ્દે કપડાં પહેરીને ફરતા લોકો અને ન્યૂડ ફરતા લોકોની ફરિયાદોમાં વધારો થઈ ગયો હતો. બંને પક્ષોના આ વિવાદનો અંત લાવવો જરૂરી હતી. રોસ્ટોક ટૂરિઝમના એક અધિકારીએ જણાવ્યું કે, આ નિયમ લાવવા પાછળ અમારો આશય લોકોના કપડાં કઢાવવાનો નથી પણ જે લોકો કપડાં પહેરવા નથી માગતા તેમની માન્યતાને સુરક્ષા પૂરી પાડવાનો છે. જે લોકો ન્યૂડ થઈને બીચનો આનંદ માણવા માગ છે તેઓ કોઈપણ પ્રકારના દબાણ વગર આ કરી શકે તે માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ બીચ વોર્ડન અને તેમના સ્ટાફ દ્વારા બીચ ઉપર ચકાસણી કરવામાં આવશે. જે લોકો સ્વિમિંગ કોશ્ચ્યુમ, બિકિની અથવા ટ્રંક ઉતારવાની મનાઈ કરશે કે પહેરીને દરિયા કિનારે ફરશે તો તેમને બહાર કાઢવામાં આવશે. તેમને કોઈ દંડ કરવામાં નહીં આવે પણ નિયમ પ્રમાણે માત્ર પગલાં લેવામાં આવશે.
તસવીરો ખેંચવી કે ટિપ્પણી કરવા ઉપર પણ પ્રતિબંધ
રોસ્ટોકમાં 15 કિ.મી. લાંબો દરિયા કિનારો છે. તેને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. આ દરેક વિભાગમાં અહીંયા આવનારા લોકોની જરૂરિયાતો અને લાગણીઓનું ધ્યાન રાખવામાં આવે છે. લોકો નેચરલિઝમને માણી શકે અને અનુભવી શકે તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. તેના કારણે જ અહીંયા કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તેમાંય ખાસ કરીને લોકોને તાકવા, તસવીરો ખેંચવી કે તેમના વિશે ટિપ્પણી કરવા ઉપર સખત પ્રતિબંધ મુકવામાં આવેલો છે. ઉત્તરી બાલ્ટિક સાગર ઉપર અંદાજે 3,700 કિ.મી લાંબો કિનારો છે. તેમાં જર્મની એવો દેશ છે જે ન્યૂડિસ્ટ માટે શરણસ્થળ બનેલો છે. જર્મનીના કિનારા ઉપર ન્યૂડિસ્ટ અને પ્રકૃતિવાદીઓના માન અને હિત જળવાઈ રહે છે. અહીંયા અધિકારીઓ દ્વારા ફ્રી કોર્પર કલ્ચર એઠલે કે ફ્રી બોડી કલ્ચરની ભાવનાને અનુરૂપ કામ કરવામાં આવે છે. લોકોને પરેશાન કરવામાં આવતા નથી.