મહાકુંભમાં નાસભાગમાં 10થી વધુના મોતની આશંકા, આજનો અમૃત સ્નાન રદ્દ, PM મોદીએ યોગીને ફોન કર્યો

By: nationgujarat
29 Jan, 2025

મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર ભીડ વધવાથી નાસભાગ મચી ગઈ હતી. આ દુઃખદ ઘટનામાં 10થી વધુ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હોવાની આશંકા છે. જ્યારે અન્ય ઘણાં ઘાયલ હોવાની જાણકારી મળી રહી છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એટલે મૃતકાંક પણ વધવાની શક્યતા છે. માહિતી અનુસાર મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેન્ટ્રલ મેડિકલ કોલેજ મહાકુંભમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી હતી. ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં પણ રેફર કરવામાં આવ્યા હતા.

ભીડનું વધારે દબાણ હોવાથી ઘટના બની હોવાનું તારણ…

મહાકુંભ મેળાના OSD આકાંક્ષા રાણાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સંગમ પર ભીડનું દબાણ વધવાથી આ ઘટના બની હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. જો કે, ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃતકાંક હજુ વધી શકે છે, જેના કારણે તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જાણકારી અનુસાર આ નાસભાગ એક અફવાને કારણે મચી હતી.

આજનો અમૃત સ્નાન રદ

નાસભાગની ઘટના બાદ આજનો અમૃત સ્નાન રદ કરવામાં આવ્યો હતો. અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે અખાડાઓએ બેઠક કરીને સ્નાન રદ કરવાનો નિર્ણય લીધો છે. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ અમૃત સ્નાન ફરી શરૂ કરવામાં આવશે. આ ઘટનાને પગલે મેળામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

પીએમ મોદીએ સીએમ યોગીને કર્યો કોલ 

નાસભાગની ઘટના બાદ વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે​મૌની અમાસના અમૃત સ્નાનને રદ કરી દીધું છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, સંગમ નોઝ પર ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીએ સીએમ યોગી સાથે ફોન પર વાત કરી. તેમણે ઘટના વિશે માહિતી મેળવી.


Related Posts

Load more