કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં મેયરની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર હરપ્રીત કૌર બબલા ચૂંટણી જીતીને ચંદીગઢના મેયર બન્યા છે. મળતી માહિતી મુજબ મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 19 વોટ મળ્યા હતા. હરપ્રીત કૌર બબલા ક્રોસ વોટિંગના કારણે મેયર તરીકે ચૂંટાયા છે.
કયા પક્ષના કેટલા સાંસદો હતા?
ચંદીગઢમાં મેયર, સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરના પદ માટે આજે 30 જાન્યુઆરીએ ચૂંટણી યોજાવાની હતી. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે. મહાનગરપાલિકામાં કોંગ્રેસના કાઉન્સિલરોની સંખ્યા 6 અને આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોની સંખ્યા 13 હતી. આ સિવાય ચંદીગઢના સાંસદ મનીષ તિવારીને પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્સ-ઓફિસિયો મેમ્બર તરીકે વોટ આપવાનો અધિકાર હતો. મેયરની ચૂંટણી AAP અને કોંગ્રેસના ગઠબંધન હેઠળ લડવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે નિરીક્ષકની નિમણૂક કરી હતી
છેલ્લી ચૂંટણીમાં થયેલા વિવાદને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ (નિવૃત્ત) જયશ્રી ઠાકુરને ચંદીગઢ મેયરની ચૂંટણી માટે સ્વતંત્ર નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. કોર્ટે મેયરની ચૂંટણીની કાર્યવાહી નિરીક્ષકની હાજરીમાં કરવા જણાવ્યું હતું અને ચૂંટણીની વિડિયોગ્રાફી કરવા પણ કહ્યું હતું.