વડતાલ મંદિરની ગૌશાળામાં મકરસંક્રાંતીના દિવસે સંતો તથા ભક્તો દ્વારા ગૌપૂજન કરાયું

By: nationgujarat
16 Jan, 2025

તા.૧૪ જાન્યુઆરીના રોજ પવિત્ર ધનુર્માસની પુર્ણાહુતી થઇ હતી. સાથે મકરસંક્રાંતી એટલે કે ઉત્તરાયણના દિવસે વડતાલ મંદિર દ્વારા ગોમતી કિનારે આવેલ નૂતન ગૌશાળા ખાતે સંતો તથા હરિભક્તો દ્વારા ગૌપૂજન કરવામાં આવ્યું હતું. ગૌપૂજન વિધિ પુરોહિત ધિરેનભાઇ ભટ્ટે કરાવી હતી.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભસ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ મંદિરની ગૌશાળામાં ૩૧૦ ગાયો આવેલી છે. જેનું મકરસંક્રાંતીના દિવસે સત્સંગ મહાસભાના પ્રમુખ નૌત્તમસ્વામીજી, ચેરમેન દેવપ્રકાશસ્વામી, શ્રીવલ્લભસ્વામી, શા.બ્રહ્મસ્વરૂપસ્વામી, શ્યામવલ્લભસ્વામી, ત્યાગસ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી તથા પ્રિયાંગભાઇ પટેલ (વડોદરા), ભગવતીભાઇ મુખી (મેતપુર) (હાલ મુંબઇ), જયંતિભાઇ મુખી, જગદીશભાઇ મુખી, તથા તારાપુરના ગોવિંદભાઇ ઠક્કર તથા પુત્ર લાલાભાઇ ઠક્કર અને રાજેશભાઇ રવાણી વગેરેએ ઉપસ્થિત રહી ગૌપૂજન કરી આરતી ઉતારી હતી. ગાયોના પૂજન બાદ તેઓને ઘઉંની ઘુઘરી, લાડુ, સુખડી અને લીલો ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડતાલ ગૌ શાળાની સંભાળ રાખતા પવિત્ર સ્વામીનું કોઠારી ડો.સંતવલ્લભસ્વામીએ પૂષ્પમાળા પહેરાવી સન્માન કર્યું હતું. તારાપુરના ગોવિંદભાઇ ઠક્કર તથા તેમના પુત્ર દ્વારા વડતાલ મંદિરની ગૌશાળાને બે ગાયોનું દાન કર્યું હતું. વડતાલ સંત પુજારી હરિચરણસ્વામીએ ગૌશાળાને એક લાખનું દાન અર્પણ કર્યું હતું. શ્રીવલ્લભસ્વામીએ પોતાના હરિભક્તો દ્વારા ૫૩ હજારનું દાન આપ્યું હતું. જ્યારે ત્યાગસ્વામી તથા હરિભક્તોએ ગાયો માટે ૩૨ હજારનો ઘાસચારો અર્પણ કર્યો હતો. સમગ્ર પૂજન વ્યવસ્થા મુનીવલ્લભસ્વામી તથા શ્યામવલ્લભસ્વામીએ કરી હતી.


Related Posts

Load more