ખેડૂતો માટે સરકારે કરી સહાયની જાહેરાત, ખેડૂતોને 1418 કરોડની સહાય , કયા ખેડૂતને મળશે મદદ વાંચો

By: nationgujarat
23 Oct, 2024

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હાલ ખેડૂતોનો પકવેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, ગત વર્ષે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ખેડૂતોને આજીવિકાનો અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે અને દેવાના બોજ તળે દબાયા છે. ત્યારે હવે રાજ્યના કૃષિમંત્રી દ્વારા ખેડૂતો માટે 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના બજેટમાંથી 362 કરોડની સહાય આપવામાં આવશે.

20 જિલ્લાના ખેડૂતોને રાહત પેકેજનો મળશે લાભ

ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ઓગસ્ટમાં વરસેલા વરસાદના કારણે જે ખેડૂતોનો મુખ્ય પાક જેવા કે ડાંગર, સોયાબીન, મગફળી જેવા પાક બગડી જતાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો, તેવા ખેડૂતો માટે સહાય 1419.62 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 20  જિલ્લાના 136 તાલુકાના ખેડૂતોનો આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 22 હજાર રૂપિયાની સહાય અને બિન પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 11 હજારની સહાય આપવામાં આવશે.

પાછોતરા વરસાદના કારણે થયેલાં નુકસાનનો થશે સર્વે

કૃષિમંત્રીના જણાવ્યા અનુસાર, 6 હજારથી વધુ ગામોના આશરે 7લાખ ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળી શકશે. નોંધનીય છે કે, 8 લાખ હેકટર જેટલા વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેમાં નિયમો હેઠળ સહાય ચુકવવામાં આવશે. આ સહાય પેકેજ ફક્ત ઓગસ્ટ મહિનામાં વરસેલા વરસાદમાં થયેલાં નુકસાન માટે જ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પાછોતરા વરસાદને લઈને થયેલાં પાક નુકસાન વિશે પણ સર્વે કરવામાં આવશે. તેમજ તે અંગે પણ ખેડૂતોને સહાય માટે રાજય સરકાર વિચાર કરશે.

આ પણ વાંચોઃ જિજ્ઞેશ મેવાણીએ CM બાદ હવે ગૃહમંત્રીને લખ્યો પત્ર, IPS પાંડિયન સામે કોંગ્રેસ આક્રમક મૂડમાં

કયા-કયા જિલ્લાનો કરાયો સમાવેશ?

ઓગસ્ટ મહિનામાં થયેલા વરસાદના નુકસાન માટે રાજ્યના સુરેન્દ્રનગર, દ્વારકા, આણંદ, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, પંચમહાલ, નવસારી, વડોદરા, મોરબી, જામનગર, સુરત, પાટણ વગેરે જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, ખેડૂતોને આ સહાય ક્યાં સુધીમાં ખાતામાં મળી જશે તે વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.


Related Posts

Load more