Maharashtra Election: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના નામાંકનનો કાલે છેલ્લો દિવસ હતો. હવે તમામ પાર્ટી ચૂંટણી માટે તૈયાર છે. આ ચૂંટણીમાં બે ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો છે અને બંનેમાં ત્રણ-ત્રણ પાર્ટીનો સમાવેશ થાય છે. તેમ છતાં જમીન પર મુકાબલો ખૂબ જ જટિલ છે. જેનું કારણ છે કે, એનસીપી અને શિવસેનાના બે જૂથ છે અને બંને અલગ-અલગ ગઠબંધનમાં છે. એવામાં મતદાતાઓ કોની સાથે રહેશે તેની પરીક્ષા થશે. લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યું કે, અજીત પવારની એનસીપીના મુકાબલે લોકોએ શરદ પવારને સમર્થન કર્યું હતું. વળી, એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના પણ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અને સામાન્ય ચૂંટણીમાં બંનેનું પ્રદર્શન લગભગ એક જેવું જ હતું.
મહારાષ્ટ્રમાં આ વખતે પણ જટિલ સ્થિતિ છે અને ઘણી બેઠક પર જૂની અને નવી એનસીપીના ઉમેદવારો આમને-સામને છે તો વળી શિવસેનાના બંને જૂથ વચ્ચે પણ ટક્કર છે. આવી સ્થિતિમાં કયા નેતાને લોકો સૌથી વધારે પસંદ કરી રહ્યાં છે, તે પણ એક સવાલ છે.
આ દરમિયાન સરવે કરવામાં આવ્યો છે. જેમાં આ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, લોકો મુખ્યમંત્રી તરીકે કયા નેતાને પસંદ કરે છે? આ સરવેમાં જાણવા મળ્યું કે, મહારાષ્ટ્રના લોકોની મુખ્યમંત્રી માટેની પહેલી પસંદ એકનાથ શિંદે છે. સી-વોટર સરવે અનુસાર, તે પહેલાં નંબરે છે. જોકે, ચોંકાવનારી વાત છે કે, ઉદ્ધવ ઠાકરેને લોકો બીજા નંબર પર મૂકી રહ્યાં છે.
વળી, પાંચ વર્ષ સુધી સરકાર ચલાવનાર દેવેન્દ્ર ફડણવીસને લોકો ત્રીજા નંબરે પસંદ કરી રહ્યાં છે. ભાજપે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે, અમે એકનાથ શિંદેના નેતૃત્વમાં જ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડીશું, પરંતુ હજુય શંકા છે કે, મહાયુતિની સરકારને જીત મળી તો મુખ્યમંત્રી કોણ બનશે? આવી જ શંકા મહાવિકાસ અઘાડીની સરકારને લઈને પણ છે, કારણકે મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોઈનું પણ નામ જાહેર કરવામાં નથી આવ્યું. ત્યારે ચાલો જાણીએ કે, જનતાએ કયા નેતાને મુખ્યમંત્રીના ચહેરા પર કયાં નંબર પર રાખ્યા છે.
એકનાથ શિંદેને પસંદ કરનારો વર્ગ વધુ
એકનાથ શિંદેને 27.5 ટકા લોકો મુખ્યમંત્રી તરીકે બધાં કરતાં કરતાં વધારે યોગ્ય માને છે. તેમાં પણ કોંકણના 36.7 ટકા લોકોએ શિંદેને પોતાની પહેલી પસંદ માની છે. જોકે, મુંબઈના 25.3 લોકો શિંદેને મુખ્યમંત્રીનો ચહેરો માને છે. હવે વાત ઉદ્ધવ ઠાકરેની કરીએ તો મહારાષ્ટ્રના 22.9 ટકા લોકો તેઓને પોતાની પસંદ માને છે. ઠાકરેને પસંદ કરનાર લોકોમાં મુંબઈ, કોંકણ, મારઠાવાડ, ઉત્તર મહારાષ્ટ્ર, વિદર્ભ, પશ્ચિમ મહારાષ્ટ્ર સામેલ છે. તમામ જગ્યાએ આશરે 23 ટકા લોકો તેમને પસંદ કરે છે.
ફડણવીસ અને શરદ પવારનો શું છે હાલ?
હવે દેવેન્દ્ર ફડણવીસની વાત કરીએ તો, ફડણવીસને 10.8 ટકા લોકો મુખ્યમંત્રી તરીકે પોતાની પહેલી પસંદ માને છે. ફડણવીસને મુંબઈના 14.8 ટકા, કોંકણના 10.4 ટકા અને વિદર્ભના 13.7 ટકા લોકોએ પસંદ કર્યાં છે. વળી, લાંબા સમયથી મુખ્યમંત્રીની ઈચ્છા રાખનાર અજીત પવારને 3.1 ટકા લોકો જ મુખ્યમંત્રીના ચહેરા તરીકે યોગ્ય માને છે. શરદ પવારને 5.9 ટકા લોકો પોતાની પસંદ માને છે.