Maharashtra Assembly Election : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી થોડાક જ દિવસોમાં યોજવા જઇ રહી છે. આ પહેલાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન મહાયુતિ તેમજ મુખ્ય વિપક્ષી ગઠબંધન એમવીએએ ચૂંટણીમાં સારૂં પ્રદર્શન કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંને પક્ષના તમામ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. હવે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર આશરે આઠ હજાર ઉમેદવારો વચ્ચે ભારે મુકાબલો જામશે.
મહાયુતિમાં કયા પક્ષને કેટલી બેઠક મળી?
સત્તાધારી ગઠબંધન મહાયુતિમાંથી ભાજપ 148 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 80 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી અજિત પવારની એનસીપીએ 53 ઉમેદવારો ઊભા રાખ્યા છે.
SUBSCRIBE NATIONGUJARAT IN YOUTUBE –
એમવીએમાં કયા પક્ષને કેટલી બેઠક મળી?
મહાયુતિની સામે મુખ્ય વિપક્ષી ગઠબંધન MVAમાં, કોંગ્રેસ 103 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ (UBT) 89 બેઠકો પર ઉમેદવાર ઊભા અને શરદ પવારની એનસીપી 87 બેઠકો પરથી ચૂંટણી લડશે. આ ઉપરાંત અન્ય MVA સહયોગીઓને છ બેઠકો આપવામાં આવી છે.
23 નવેમ્બરે મતગણતરી થશે
ઉમેદવારો માટે ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયા 22 ઓક્ટોબરે શરૂ થઈ હતી અને 29 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઈ હતી. નામાંકન પત્રોની ચકાસણી બુધવારે (30 ઓક્ટોબર) થઈ હતી અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર (બપોરના 3 વાગ્યા સુધી) છે. રાજ્યમાં 20 નવેમ્બરે 288 વિધાનસભા બેઠકો પર મતદાન થશે જ્યારે 23 નવેમ્બરે મતગણતરી થશે.