કુમકુમ મંદિર ખાતે ર૧ ફેબ્રુઆરીએ “આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા” દિવસની ઉજવણી કરવામાં આવી

By: nationgujarat
21 Feb, 2024

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે તા.ર૧
ફેબ્રુઆરીના રોજ “આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા” દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ કિશોરો અને યુવાનો સમૂહમાં ગુજરાતી ભાષામાં લખાયેલા ધર્મગ્રંથોનો પાઠ કર્યો.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આપણને આપણી ગુજરાતી ભાષાનો ગર્વ હોવો જોઈએ. અંગ્રેજી ભાષા સારી છે,પણ ગુજરાતી ભાષા મારી છે. આપણા સંતાનોને આજના સમય પ્રમાણે અંગ્રેજી ભાષા ભણાવવી પડે તો ભલે, ભણાવો પણ ગુજરાતી ભાષા તો બોલતાં અવશ્ય શીખવાડવી જ જોઈએ. ઘરની અંદર દરેક માતાપિતાએ ગુજરાતી ભાષા જ બોલવી જોઈએ,તો જ સંતાનો ગુજરાતી બોલી શકશે, તો બાળકોને નાનપણથી ગુજરાતી ભાષા આવડશે નહિ તો, આપણા ધર્મગ્રંથો તે વાંચી પણ નહિ શકે, અને તે વાંચતા નહિ શીખે તો આપણી સર્વશ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિ, આપણા સંસ્કારોથી તે અજાણ રહેશે, તેમને ખબર નહિ પડે કે, ભક્ત પ્રહ્લાદ કોણ હતા કે, ધ્રુવ કે શ્રવણ કોણ હતા ? જો તેમને ખબર જ નહીં હોય તો તે આદર્શ જીવન જીવતા કેવી રીતે શીખશે,તેથી સંતાનોને અવશ્ય ગુજરાતી ભાષા શીખવવી જોઈએ.

કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો પણ ખાસ આગ્રહ હતો કે, ઘરની અંદર અંગ્રેજી ભાષાનાં બદલે બાળકોની સાથે માતાપિતાએ ગુજરાતી ભાષામાં જ વાત કરવી જોઈએ અને દરેક માતાપિતાએ પોતાની ફરજ સમજીને બાળકોને ગુજરાતી ભાષા શીખવવી જોઈએ અને આપણા ધર્મગ્રંથો વંચાવવા જોઈએ.


Related Posts

Load more