ચેન્નાઇ : એક દુર્લભ સંયોગ અને મજબૂત સંકલ્પ સાથે તમિલનાડુના ૪૯ વર્ષીય મહિલા ફિઝિયોથેરાપીસ્ટ અને તેમની દીકરીએ એક સાથે નીટ પરીક્ષા પાસ કરી છે. મહિલાને પર્સન્સ વીથ બેન્ચમાર્ક ડિસએબિલિટિસ (પીડબ્લ્યુડી) કેટેગરી હેઠળ પોતાના ગૃહ જિલ્લાની નજીકની સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો છે જ્યારે યુવતી એડમિશન માટે કાઉન્સલિંગ સેશનની રાહ જોઇ રહી છે.
અમુથવલ્લી મણિવન્નનને અભ્યાસક્રમ ખૂબ જ અઘરો અને તેમના શાળાના દિવસોથી ખૂબ જ અલગ લાગ્યો હતો. આમ છતાં પોતાની દીકરીની તૈયારીથી પ્રેરિત થઇને તેમણે પોતાની તૈયારી શરૂ કરી હતી.
અમુથવલ્લીએ જણાવ્યું હતું કે પોતાની દીકરીની નીટની તૈયારી જોઇ મારી મહત્ત્વકાંક્ષા ફરી જારી ઉઠી હતી. તે મારી સૌથી મોટી પ્રેરણા હતી. મેં તેના પુસ્તકો ઉછીના લીધા અને તૈયારી શરૂ કરી હતી.
સીબીએસઇની વિદ્યાર્થિની એમ સંયુક્તાએ એક કોચિંગ ક્લાસમાં એડમિશન લીધું હતું. તેણે જે પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો તેનાથી તેના માતાને પણ મદદ મળી હતી.
તેણે જણાવ્યું હતું કે જ્યારે હું કોઇને મારા ભણતર અંગે બતાવું છું મને યાદ રાખવું સરળ લાગે છે. મારા પિતા વ્યવસાયે વકીલ છે તેમને મેડિસિનમાં કોઇ રસ નથી. જો કે મારી માતાની પૃષ્ઠભૂમિ મેડિકલની રહી છે તો તેમને આ ક્ષેત્રમાં રસ હતો.
૩૦ જુલાઇએ જ્યારે તમિલનાડુ મેડિકલ પ્રવેશ માટે કાઉન્સિલિંગ શરૂ થયું તો અમુથવલ્લી પોતાની દીકરીની સાથે પર્સન્સ વીથ બેન્ચમાર્ક ડિસએબિલિટિસ (પીડબ્લ્યુડી) કેટેગરી હેઠળ કાઉન્સિલિંગમાં સામેલ થયા હતાં. તેમણે પોતાના વતન તેનકાસીની પાસે વિરુધુનગરની સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ લેવાનું પસંદ કર્યુ હતું. તેમણે નીટમાં ૭૨૦માંથી ૧૪૭ માર્ક્સ મેળવ્યા હતાં.અમુથવલ્લીની દીકરી સંયુક્તાએ ૭૨૦માંથી ૪૫૦ માર્ક્સ મેળવ્યા છે.