4 વર્ષની બાળકીના નાકમાં ફસાઈ ગયું રબર, દોઢ મહિનાના અંતે પીડામાંથી મળી મુક્તિ

By: nationgujarat
11 Dec, 2025
રાજકોટ: રાજકોટમાં બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગે ચિંતાજનક એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય રીતે બાળકોને શરદી અથવા નાકમાં પાણી વહે છે, પરંતુ કેટલીકવાર તેની પાછળ ગંભીર કારણ છુપાયેલું હોઈ શકે છે. તાજેતરમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં 4 વર્ષની બાળકીની નાકમાંથી દોઢ મહિનાથી ફસાયેલા રબરના સ્પોન્જને દૂરબીનની મદદથી સફળતાપૂર્વક કાઢવામાં આવ્યું છે. આ સર્જરીનો વીડિયો પણ સામે આવ્યો છે, જે ડોક્ટરોની તકનીકી કુશળતા અને વાલીઓ માટે મહત્વપૂર્ણ ચેતવણીનું પ્રતિબિંબ છે.
જામનગરની રહેવાસી આ બાળકીને છેલ્લા 1.5 મહિનાથી સતત શરદી અને દુર્ગંધવાળું પ્રવાહી નીકળવાની સમસ્યા હતી, જેના કારણે પરિવારજનો ચિંતિત હતા. ઘણા ડોક્ટરોને દેખાડવા છતાં સાચું નિદાન મળી શક્યું નહોતું. દવાઓ, રિપોર્ટ્સ અને સીટી સ્કેનની મદદથી પણ સમસ્યાનો પત્તો ન લાગી શક્યો હતો. પરિણામે, પરિવારજનો રાજકોટ વિદ્યાનગર રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં નિષ્ણાત ENT સર્જન ડો. હિમાંશુ ઠક્કરની સલાહ લેવા મજબૂર બન્યા.તપાસ દરમિયાન દૂરબીન વડે કરવામાં આવેલી વિશેષ ચકાસણીમાં જાણવા મળ્યું કે બાળકીના ડાબા નાકમાં ખૂબ અંદર રબરનું સ્પોન્જ ફસાઈ ગયું હતું, જેના કારણે સતત ઇન્ફેક્શન થાય છે. ઓપરેશન થિયેટરમાં ખાસ સાધનોની મદદથી ઝડપી પ્રોસિજર કરીને થોડા જ સમયમાં સ્પોન્જ સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યું. સર્જરી બાદ બાળકી તરત જ આરામમાં જોવા મળી અને લાંબા સમયથી ચાલતી પીડામાંથી મુક્તિ મેળવી.

બાળકીના પિતાએ જણાવ્યું કે તેમની દીકરી રમતા રમતા એક દિવસ રબરનો નાનો ભાગ નાકમાં દબાઈ ગયો હતો, પરંતુ તે કોઈને ખ્યાલ નહોતો આવ્યો. ધીમે ધીમે તકલીફ વધી અને શરદી મટતી નહોતી, જેના કારણે તેઓ વધુ ચિંતિત બન્યા. સર્જરી સફળતાથી પૂરી થતાં, તેમણે ડો. ઠક્કર અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડો. હિમાંશુ ઠક્કરના જણાવ્યા મુજબ, બાળકો ઘણી વાર રમતા રમતા કાન, નાક અને ગળામાં કંઈક નાખી દે છે, જેને કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. જો રબરનું સ્પોન્જ નાકમાંથી ગળામાં ઉતરી જાય અને શ્વસનનળીમાં ફસાઈ જાય તો જીવનું જોખમ પણ થઈ શકે છે. આવા અનેક કેસોમાં સફળતાપૂર્વક સારવાર કર્યા બાદ, ડો. હિમાંશુ ઠક્કરે ફરી એકવાર કુશળતાથી દોઢ મહિનાથી ફસાયેલ રબરનું સ્પોન્જ દૂરબીન વડે નાકમાંથી કાઢી, દર્દીને રાહત આપી છે. ડો. ઠક્કરના જણાવ્યા અનુસાર, નાકમાં એક બાજુથી દુર્ગંધવાળું પ્રવાહી નીકળવું, લોહી આવવું, અથવા શરદીની દવાઓ લીધા છતાં શરદી ના મટતી હોય તો એવા સંજોગોમાં નિષ્ણાત ENT સર્જનની સલાહ લેવી જરૂરી છે.આપણે સમજવું જરૂરી છે કે બાળકો નાના હોય છે, તેથી તેઓ કહી શકતા નથી કે શું થયું છે. વાલીઓએ સતત ધ્યાન રાખવું જોઈએ અને કોઈપણ શંકાસ્પદ લક્ષણ દેખાય તો તરત જ સારવાર કરાવવી જોઈએ. નાની ગફલત મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. રાજકોટમાં થયેલી આ સર્જરી માત્ર બાળકીને રાહત આપતું ઉદાહરણ નથી, પરંતુ બધા વાલીઓ માટે ચેતવણીરૂપ સંદેશ છે કે બાળકોની આરોગ્ય સમસ્યાઓને હલકેથી ન લેવાય.

Related Posts

Load more