10 મહિનાની ખેંચતાણ માત્ર 72 મિનિટમાં ખતમ:અમેરિકાએ ભારત પર ટેરિફ 50%થી ઘટાડીને 18% કર્યો,

By: Nation Gujarat Team
03 Feb, 2026

અમેરિકાએ ભારત પર લગાવવામાં આવેલી 25% રેસિપ્રોકલ (જેવા સાથે તેવા) ટેરિફને 7% ઘટાડીને 18% કરી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે સોશિયલ મીડિયા ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી.

ટ્રમ્પે એમ પણ કહ્યું કે પીએમ મોદી રશિયન તેલ ખરીદવાનું બંધ કરીને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે. સાથે જ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિ બની ગઈ છે.

આ પછી પીએમ મોદીએ પોસ્ટ કરીને કહ્યું- એ જાણીને ખુશી થઈ કે હવે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટીને 18% થઈ જશે. જોકે, તેમની પોસ્ટમાં ટ્રેડ ડીલ અંગે કોઈ જાણકારી નથી.

ભારત પર ટેરિફ હવે 50% ને બદલે 18% લાગશે અમેરિકાએ ઓગસ્ટ 2025માં ભારત પર બે વાર ટેરિફ લગાવ્યો હતો. પહેલી વાર 1 ઓગસ્ટે વેપાર ખાધને લઈને 25% ટેરિફ લગાવવામાં આવ્યો. ત્યારબાદ 27 ઓગસ્ટે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે 25% વધારાનો ટેરિફ લગાવ્યો હતો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને PM મોદી બંનેએ રશિયન તેલ ખરીદવાને કારણે લગાવવામાં આવેલા 25% વધારાના ટેરિફ પર કંઈપણ સ્પષ્ટ કર્યું નથી. પરંતુ વ્હાઇટ હાઉસના એક અધિકારીએ ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું કે અમેરિકા, ભારતથી આવતા સામાન પર લગાવવામાં આવેલો તે વધારાનો ટેરિફ હટાવી દેશે, જે રશિયા પાસેથી તેલ ખરીદવાના બદલામાં સજા તરીકે લગાવવામાં આવ્યો હતો.

10 મહિનાની ખેંચતાણ માત્ર 72 મિનિટમાં ખતમ

ટ્રેડ ડીલની પટકથા કેવી રીતે તૈયાર થઈ?

ટ્રમ્પે 2 એપ્રિલ 2025ના રોજ ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 27 ઓગસ્ટ 2025ના રોજ ફરી 25% ટેરિફની જાહેરાત કરવામાં આવી હતી.

3 ફેબ્રુઆરી 2026ની રાત્રે 9:16 વાગ્યે

અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે ‘એક્સ’ પોસ્ટ દ્વારા મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે થયેલી ફોન પરની વાતચીતની જાણકારી આપી.

રાત્રે 10:28 વાગ્યે: ટ્રમ્પે ટેરિફમાં કાપ અને નવી ટ્રેડ ડીલની જાહેરાત કરી.

રાત્રે 11:02 વાગ્યે: પીએમ મોદીએ આ વાતની પુષ્ટિ કરી.

ભારત-અમેરિકા વચ્ચે કેટલો વેપાર છે?

બંને દેશો વચ્ચે અંદાજે રૂ.12 લાખ કરોડનો વેપાર છે. અમેરિકાને ભારતની નિકાસ અંદાજે રૂ.7.91 લાખ કરોડ છે, આયાત અંદાજે 4.17 લાખ કરોડ છે.

ભારતે 1 વર્ષમાં કેટલી ડીલ કરી?

એક વર્ષમાં ભારતે કુલ 6 દેશો સાથે ડીલ કરી છે: બ્રિટન, ઓમાન, ન્યુઝીલેન્ડ, ઈયુ (યુરોપિયન યુનિયન) અને અમેરિકા સામેલ છે.

ટ્રમ્પ બોલ્યા- અમારી પાસેથી 500 અબજ ડોલરનો સામાન ખરીદશે ભારત

ટ્રમ્પે પોસ્ટ કરીને લખ્યું કે આજે સવારે (ભારતીય સમય મુજબ રાત્રે) તેમની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત થઈ.

બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર વાત થઈ. તેમાં વેપાર (ટ્રેડ) અને રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો વિષય પણ સામેલ હતો. મોદી આ વાત પર સહમત થયા કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ઓછું કરશે અને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદશે. આ સાથે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાની સંભાવના પર પણ ચર્ચા થઈ.

ટ્રમ્પે કહ્યું કે તેમનું માનવું છે કે આ પગલાંથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવામાં મદદ મળી શકે છે, જેમાં દર અઠવાડિયે હજારો લોકોના જીવ જઈ રહ્યા છે.

ટ્રમ્પે એ પણ લખ્યું કે પીએમ મોદીની અપીલ અને તેમના પ્રત્યેના સન્માનને કારણે, અમેરિકા અને ભારત વચ્ચે તરત જ એક વેપાર કરાર કરવા પર સહમતિ બની છે.

આ કરાર હેઠળ અમેરિકા, ભારત પર લગાવવામાં આવતા રેસિપ્રોકલ ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરશે. જ્યારે ભારત પણ અમેરિકા પર લગાવવામાં આવેલા પોતાના ટેરિફ અને બિન-ટેરિફ અવરોધોને ઘટાડવા અને તેમને ધીમે ધીમે સમાપ્ત કરવાની દિશામાં આગળ વધશે.

આ ઉપરાંત પીએમ મોદીએ ‘બાય અમેરિકન’ એટલે કે અમેરિકાથી સામાન ખરીદવાને લઈને મોટી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ અંતર્ગત ભારત, અમેરિકાથી 500 અબજ ડોલરથી વધુના ઊર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય ઉત્પાદનો ખરીદશે.

છેલ્લે ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધો આગળ વધુ મજબૂત થશે. તેમણે લખ્યું કે તેઓ અને પીએમ મોદી બંને એવા નેતાઓ છે જે વાતો કરતાં કામ પર વધુ ભરોસો કરે છે.

પીએમ મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો

પીએમ મોદીએ લખ્યું કે મને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. એ જાણીને ખૂબ સંતોષ છે કે હવે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. આ શાનદાર નિર્ણય માટે હું ભારતના 1.4 અબજ લોકો વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો હૃદયપૂર્વક આભાર માનું છું.

જ્યારે વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓ અને સૌથી મોટા લોકતાંત્રિક દેશો સાથે મળીને કામ કરે છે, ત્યારે તેનો સીધો ફાયદો આપણા લોકોને મળે છે અને પરસ્પર સહયોગની નવી અને મોટી તકો ખુલે છે.

વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નેતૃત્વ અત્યંત મહત્વપૂર્ણ છે. શાંતિ માટેના તેમના પ્રયાસોને ભારત સંપૂર્ણ સમર્થન આપે છે. હું તેમની સાથે મળીને કામ કરવા અને ભારત-અમેરિકા ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઉત્સુક છું.


Related Posts

Load more