હજી વરસાદ ગયો નથી! નવરાત્રીમાં ખેલૈયાઓની બગાડશે મજા! ફરી ક્યાં-ક્યાં ખાબકશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી

By: Nation Gujarat Team
17 Sep, 2026

Ambalal Patel Forecast: ગુજરાતમાં આ વર્ષે નવરાત્રિના પવિત્ર તહેવાર પર મેઘરાજાની વક્રદૃષ્ટિ રહેવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યભરમાં ગરબાના આયોજનો અને ખેલૈયાઓની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહીએ સૌ કોઈની ચિંતા વધારી દીધી છે. રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો તો ક્યાંક સારો એવો વરસાદ વરસી શકે છે, જેના કારણે નવરાત્રિના ઉત્સવમાં પાણી ફરી વળવાની દહેશત છે.

સૌરાષ્ટ્ર તરફ ફરી પરત ફરશે વરસાદી સિસ્ટમ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, વરસાદી સિસ્ટમ ફરી એકવાર સૌરાષ્ટ્ર તરફ પરત ફરી રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ફરીથી વરસાદી માહોલ જામવાની પૂરી શક્યતા છે. જેમાં ખાસ કરીને જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું અનુમાન છે, જેમાં સુરેન્દ્રનગર, હળવદ, ભાવનગર અને બોટાદ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમરેલીના કેટલાક વિસ્તારો તથા ગીર-સોમનાથ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

3 ઈંચ કે તેથી વધુ વરસાદની શક્યતા
સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારોમાં સામાન્ય રીતે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, પરંતુ વાતાવરણની સ્થિતિ જોતાં કેટલાક વિસ્તારોમાં 3 ઈંચ કે તેથી વધુ વરસાદ પણ ખાબકી શકે છે. જો આટલા પ્રમાણમાં વરસાદ પડે તો ગરબાના મેદાનોમાં પાણી ભરાવાની અને ખેલૈયાઓને ખેલૈયાઓ માટે મુશ્કેલી સર્જાવાની પૂરી શક્યતા છે.

અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
આ અણધાર્યા વરસાદી માહોલ પાછળ મુખ્યત્વે અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જવાબદાર છે. આ બે સિસ્ટમો સક્રિય થવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને વરસાદ માટેની અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા નકારી શકાય તેમ નથી.

18, 19અને 20 સપ્ટેમ્બરે રહેશે વરસાદી માહોલ
આ આગાહી મુજબ આગામી 18, 19 અને ક્યાંક 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. આ તારીખો દરમિયાન નવરાત્રિના પ્રારંભિક દિવસોમાં મેઘરાજા વિઘ્નરૂપ બની શકે છે. જેને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકોએ વોટરપ્રૂફ ડોમ અને ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય તેવી આગોતરી વ્યવસ્થાઓ પર ધ્યાન આપવું પડશે.


Related Posts

Load more