સેઉટા : ઉત્તર આફ્રિકન દેશ મોરોક્કોની જમીની સરહદેથી સ્પેનના સેઉટામાં શરણાર્થીઓના ધાડાં ઉતરી આવતાં સ્પેનમાં રેફ્યૂજી કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. સરહદે મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત થયું છે. આખાય યુરોપમાં ઘૂસણખોરીના પગલે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. આફ્રિકાના મુસ્લિમ દેશોમાં અરાજકતા હોવાથી બહેતર જીવનની તલાશમાં હજારો લોકો ઘરવખરી વિના પહેરેલા કપડે ઉત્તર આફ્રિકા ખંડમાં આવેલા સ્પેનના સેઉટામાં જળમાર્ગે તરીકે, હોડીમાં કે જમીની માર્ગે ઘૂસી રહ્યા છે. સૈન્યએ ઘૂસણખોરોને રોક્યાં તો નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાક્રમમાં વિવિધ કારણોથી અત્યાર સુધીમાં ૫૭ લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
જિબ્રાલ્ટરની ખાડી યુરોપ અને આફ્રિકાને અલગ પાડે છે. આફ્રિકાથી યુરોપ આવવા ૧૪ કિ.મી.નો આ સમુદ્રી માર્ગથી સૌથી સરળ રસ્તો છે અને આફ્રિકાના ગરીબ દેશોમાંથી લોકો સ્પેનમાં ઘૂસતા હોય છે. જોકે, હાલ ઉત્તર આફ્રિકામાં આવેલા સેઉટામાં મોરોક્કોના જમીન માર્ગેથી મુસ્લિમો સહિતના લોકોએ ઘૂસણખોરી કરી છે. આ સેઉટા પર સ્પેનનો કબજો છે. પરિણામે સ્પેનના સેઉટામાં શરણાર્થી કટોકટી સર્જાઈ છે. સેઉટાની વસતિથી ૭૦ ટકા વધારે ઘૂસણખોરો બોર્ડર ક્રોસ કરીને ઘૂસી ગયા છે.
સીસીટીવીફૂટેજ સામે આવ્યા છે એમાં સેંકડો લોકો બોર્ડરની કાંટાળી વાડમાંથી ઘૂસી રહ્યા છે. એક સાથે ધાડાં ઉતરી આવતા સુરક્ષાદળો માટે પણ તેમને રોકવાનું મુશ્કેલ બન્યું હતું. કાંટાળી વાડમાંથી ઘૂસવાના પ્રયાસમાં અને સાંકળાં રસ્તામાંથી નીકળવાના પ્રયાસમાં ધક્કા-મુક્કી થઈ હતી. એમાં કેટલાક શરણાર્થીઓ માર્યા ગયા હતા. અમુક શરણાર્થીઓ જળમાર્ગે આવતા હોવાથી ડૂબીને મૃત્યુ પામ્યાં છે.
૨૦૨૧પછી સ્પેનમાં આ સૌથી મોટી રેફ્યૂજી કટોકટી છે. તે વખતે ૧૦થી ૨૦ હજાર લોકો એક સાથે ઘૂસી ગયા હતા. સત્તાવાર રીતે તો આંકડો જાહેર થયો નથી, પરંતુ ૬૦ હજાર પ્રવાસીઓ ઘૂસી ગયાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. સેઉટી પ્રાંતના પ્રમુખ જુઆન વિવાશે સ્પેનના પીએમ પેડ્રો સાંચેજને સૈન્ય વધારવાની વિનંતી કરી છે અને આખાય પ્રાંતમાં ઈમરજન્સી લગાડવાની ભલામણ પણ કરી છે. આ ઘૂસણખોરીની ઘટના બાદ પીએમ પેડ્રોએ કહ્યું હતું કે આ વિકટ પરિસ્થિતિથી દેશમાં અરાજકતા સર્જાવાની ભીતિ છે. મોરોક્કોના અધિકારીઓ અને સ્પેનના અધિકારીઓ મળીને ટૂંક સમયમાં કોઈ રસ્તો કાઢશે.
સ્પેનમાં શરણાર્થીઓના ધાડા ઉતર્યા તેના પડઘા આખા યુરોપમાં પડયા હતા. સૌથી તીવ્ર પ્રતિક્રિયા ઈટાલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આપી હતી. મેલોનીએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી અને તુરંત યુરોપના દેશોએ મળીને આ કટોકટી સામે લડવું જોઈએ એવું કહ્યું હતું. મેલોનીએ તો ત્યાં સુધી કહ્યંં કે સ્પેનમાં સ્થિતિ નહીં સુધરે તો સ્પેન-ઈટાલી વચ્ચે ચાલી રહેલા શેંગેન કરાર અટકાવી દેવામાં આવશે. મેલોનીએ આ મુદ્દે તાત્કાલિક ગૃહમંત્રી સાથે વાત કરીને સુરક્ષા એજન્સીઓની બેઠક બોલાવી હતી. ઈટાલી સાથે બોર્ડર ધરાવતા ફ્રાન્સે પણ આ ઘટના પર નજર રાખી હોવાનું જણાવ્યું હતું.
ઉત્તર આફ્રિકામાં આવેલા સ્પેનના સેઉટા શહેરમાં મોરોક્કોના ઘૂસણખોરોએ ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. જોકે, સ્પેનના સેઉટામાં રાતોરાત થયેલી આ ઘૂસણખોરી પાછળ અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ અને ઈઝરાયેલની મોસાદનો હાથ હોવાનો દાવો થઈ રહ્યો છે. સ્પેનની પેડ્રો સાંચેઝ સરકારે ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો આકરો વિરોધ કર્યો હતો. બીજીબાજુ સ્પેને પેલેસ્ટાઈન મુદ્દે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનો વિરોધ કર્યો હતો. પેલેસ્ટાઈનને અલગ દેશ તરીકે માન્યતા આપવાની તરફેણ કરી હતી.
આથી સ્પેનને પાઠ ભણાવવા અમેરિકા અને ઈઝરાયેલે તેમના મિત્ર દેશ મોરોક્કો સાથે મળીને હજારોની સંખ્યામાં ગેરકાયદે ઘૂસણખોરોને સ્પેનમાં ઘૂસાડવાનું કાવતરું ઘડયું હોવાનું પણ મનાઈ રહ્યું છે.
સ્પેનમાં સુપ્રીમ કોર્ટે ‘પેટ ચોળી શૂળ’ ઊભું કર્યું
ઘૂસણખોરોની હકાલપટ્ટી પર સુપ્રીમની રોકથી સ્થિતિ વણસી
મેડ્રિડ : ઉત્તર આફ્રિકામાં સ્પેનના કબજા હેઠળના સેઉટામાં રાતોરાત ગેરકાયદે વસાહતીઓની ઘૂસણખોરીએ યુરોપ માટે ચેતવણીની સ્થિતિ સર્જી છે. જોકે, આ સ્થિતિ માટે સ્પેનની સુપ્રીમ કોર્ટ પોતે જ જવાબદાર હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે. સ્પેનની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ઉત્તર આફ્રિકામાં આવેલા સેઉટા અને મેલિલામાંથી ગેરકાયદે ઘૂસણખોરોની તાત્કાલિક હકાલપટ્ટી પર સ્ટે મૂકી દીધો હતો. સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં કહ્યું કે, સેઉટા અને મેલિલામાં પકડાયેલા ગેરકાયદે ઘૂસણખોરોને સ્પેન લાવીને કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવી પડશે. સુપ્રીમના આ ચૂકાદાનો લાભ ઉઠાવી મોરોક્કોમાં માનવ તસ્કરીના નેટવર્ક સાથે સંકળાયેલા લોકોએ દેશમાં એવી અફવા ફેલાવી કે હવે સ્પેન પહોંચવાનો રસ્તો સરળ થઈ ગયો છે. સેઉટામાં ઘૂસી જાવ, ત્યાંથી સ્પેન લઈ જવાશે તો કાયદાકીય પ્રક્રિયામાં લાંબો સમય લાગી જશે. ત્યાં સુધીમાં યુરોપના અન્ય દેશોમાં ભાગી જવાની તક મળી શકે છે. આ અફવાના પગલે હજારો લોકો સ્પેનના કબજા હેઠળના સેઉટામાં ઘૂસી ગયા છે.