સોનામાં રોકાણ કરનારાઓને ઝટકો, આ રીતે ખરીદયુ હશે તો 1 એપ્રિલથી ટેક્સ ભરવા તૈયાર રહેજો

By: Nation Gujarat Team
27 Feb, 2026

Gold New Rule SGB Tax : ભારતમાં સોના પર મળતી ટેક્સ છૂટને લઈને એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGB) હેઠળ સેકન્ડરી માર્કેટ (શેરબજાર) માંથી સોનું ખરીદવા પરના નિયમો બદલાઈ રહ્યા છે. અત્યાર સુધી, મેચ્યોરિટી પૂરી થયા પછી SGB ના વેચાણ પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ આપવો પડતો નહોતો, પરંતુ હવે આ છૂટ નાબૂદ કરવામાં આવી છે. આનો સીધો અર્થ એ છે કે, જો કોઈ વ્યક્તિ 1 એપ્રિલથી સેકન્ડરી માર્કેટમાં મેચ્યોરિટી પૂરી થયા પછી SGB ની લેવડ-દેવડ કરે છે, તો તેણે કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. આ નિયમમાં ફેરફાર ચાલુ વર્ષના બજેટમાં કરવામાં આવ્યો છે.

શું કહે છે નિષ્ણાતો?

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2026 થી ટેક્સ ફ્રી લાભ માત્ર એવા રોકાણકારોને જ મળશે જેમણે પ્રાઈમરી ઈશ્યુ (Primary Issue) દરમિયાન સીધા RBI દ્વારા SGB ખરીદ્યા હોય અને તેને મેચ્યોરિટી (પરિપક્વતા) સુધી પોતાની પાસે રાખ્યા હોય. જો તમે શરૂઆતના ઈશ્યુ દરમિયાન સીધા RBI પાસેથી બોન્ડ ખરીદ્યા નથી અને બજારમાંથી લીધા છે, તો સરકાર તમારા નફા પર ટેક્સ વસૂલશે. આ ફેરફારથી હવે રોકાણકારોના બે પ્રકાર પડી જશે.

ટેક્સની ગણતરી કેવી રીતે બદલાશે?

અત્યાર સુધી રોકાણકારો એક્સચેન્જ પરથી ઓછા ભાવે SGB ખરીદીને મેચ્યોરિટી પર ટેક્સ ફ્રી નફો મેળવતા હતા, જે વ્યૂહરચના હવે નબળી પડી છે.

આ બાબતને ઉદાહરણ દ્વારા સમજીએ તો જો તમે એક્સચેન્જમાંથી એક SGB 7,000 રૂપિયા માં ખરીદ્યો. મેચ્યોરિટી સમયે તેની કિંમત  11,000 રૂપિયા થઈ તો તમને નફો: 4,000 રૂપિયા થયો. નવા નિયમ અંતર્ગત આ 4,000 રૂપિયાના નફા પર 12.5% લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ વસુલાશે. એટલે કે, તમારે દરેક બોન્ડ દીઠ 500 રૂપિયા ટેક્સ ભરવો પડશે. પહેલા આ પૂરેપૂરો નફો રોકાણકારનો રહેતો હતો. તેને એક પણ રૂપિયો ટેક્સ સ્વરૂપે ચુકવવો પડતો નહોતો.

આ ફેરફારથી સેકન્ડરી માર્કેટમાંથી ડિસ્કાઉન્ટ ભાવે SGB ખરીદીને ટેક્સ-ફ્રી રિટર્ન મેળવવાની તક હવે ખતમ થઈ ગઈ છે. જો તમે ટેક્સ બચાવવા માંગતા હોવ, તો સીધા RBI ના ઈશ્યુ વખતે જ સબસ્ક્રિપ્શન લેવું હિતાવહ રહેશે.


Related Posts

Load more