સાળંગપુરમાં દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી શરૂ! આજે શ્રીકષ્ટભંજનદેવને ચાંદીનો મુકુટ-હાર પહેરાવાયો

By: nationgujarat
17 Oct, 2025

હાલ દિવાળીના પર્વની ઉજવણી ઠેર ઠેર ચાલી રહી છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ આ દિવાળી તહેવારની અનોખી રીતે ઉજવણી થવાની છે. જે અંતર્ગત આજે તારીખ 17-10-2025ને શુક્રવારે એકાદશી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને ચાંદીનો મુકુટ-હાર અને પ્યોર સિલ્કના ફૂલની ડિઝાઇનના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે અને દાદાને 200 કિલો સુખડીનો પ્રસાદ પણ ધરાવાયો છે.યાત્રાધામ સાળંગપુરમાં દરેક તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે આ દિવાળીના તહેવાર પણ જ ત્રણ દિવસ સુધી ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આજે એકાદશીના દિવસે શ્રીકષ્ટભંજનદેવને ચાંદીનો મુકુટ-હાર અને પ્યોર સિલ્કના ફૂલની ડિઝાઇનના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. સાથે જ આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી દ્વારા કરવામાં આવી હતી.આટલું જ નહીં, સાળંગપુરધામ ખાતે દિવાળી પર્વ નિમિત્તે આગામી તા.20 ઓક્ટોબર 2025ને સોમવારના રોજ કાળીચૌદશ નિમિત્તે સમૂહ મારૂતિયજ્ઞ પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 5:30 કલાકે મંગળા આરતી થશે, ત્યાર બાદ સવારે 7:00 કલાકે શણગાર આરતી થશે અને બાદમાં સવારે 7:00 કલાકે સમૂહયજ્ઞ પ્રારંભ થશે. ઉપરાંત સવારે 8:00 કલાકે અભિષેક આરતી, સવારે 11:00 કલાકે અન્નકૂટ આરતી બાદ 12:00 કલાકે સમૂહયજ્ઞ પૂર્ણાહૂતિ કરવામાં આવશે.

નોંધનીય છે કે, શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શિક્ષાપત્રી લેખન એવં વડતાલધામ આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી પણ હાલ ચાલી રહી છે, ત્યારે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હાલ દિવાળીના તહેવારની પણ અનોખી ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. જેની શરૂઆત આજે એકાદશીએ શ્રીકષ્ટભંજનદેવને ચાંદીનો મુકુટ-હાર અને પ્યોર સિલ્કના ફૂલની ડિઝાઇનના વાઘાના દિવ્ય શણગાર સાથે થઈ છે, ત્યારે આ ઉજવણીની શ્રેણીમાં કાળી ચૌદસે સમૂહ મારૂતિયજ્ઞ યોજાશે.


Related Posts

Load more