બનાસકાંઠા: પાલનપુરના તિરૂપતિ રાજનગરમાં બાથરૂમમાં નાહવા માટે ગયેલી કિશોરીનું ગીઝર ગેસના ગૂંગળામણના કારણે બાથરૂમમાં જ મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે. બાથરૂમમાં 15 મિનિટ સુધી કોઈ જ અવાજ ન આવતા પરિજનોએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો ન ખોલતા બાથરૂમની બારીમાંથી જોતા તે ફર્સ ઉપર પડેલી જોવા મળી હતી. જે બાદ તાત્કાલિક જ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
પરિવાર પર અચાનક જ આવેલી આ આફતથી પરિવાર સહિત સોસાયટીના રહીશોમાં ગમગીની છવાઈ ગઈ છે. તિરુપતિ રાજનગરમાં રહેતા અને મૂળ વડગામ તાલુકાના વેસા ગામના રહેવાસી દુષ્યંતભાઈ વ્યાસ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. તેમને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે. જેમાં દિકરીનું હૃદયદ્રાવક મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, તે સ્વસ્તિક હાઈસ્કૂલમાં ભણતી હતી, તે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી, આમ પરિવારની દીકરીનું અચાનક જ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.પાલનપુરમાં લાલબત્તી સમાન આ ઘટના બની છે. બાથરૂમમાં જ ગીઝર ગેસની ગુંગળામાંથી એક કિશોરીનું મોત નિપજ્યું છે ત્યારે બાથરૂમમાં ગીઝર ગેસનો ઉપયોગ કરતા હોવ તો તેમાં જરૂરી સાવચેતીઓ રાખવી જરૂરી છે. કારણ કે તબીબોનું માનીએ તો બાથરૂમમાં જરૂરી ઓક્સિજન ન મળતા ગેસનું કાર્બન મોનોક્સાઈડમાં રૂપાંતર થતું હોય છે જે ઘણીવાર જોખમી સાબિત થાય છે. આમ, બાથરૂમમાં જરૂરી વેન્ટિલેશન રાખવું પણ જરૂરી છે.