વડતાલ મંદિર – સ્વામિનારાયણ મહામંત્રના 223 પ્રાગટય દિને વિશેષ કાર્યક્રમ યોજાયો

By: nationgujarat
26 Dec, 2024

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે એકાદશીના શુભદિને શ્રીસ્વામિનારાયણ મહામંત્રના ૨૨૩મા પ્રાગટ્ય દિનની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીસ્વામિનારાયણ મહામંત્ર દિવ્ય અભિષેક તથા અખંડ ધૂન અને મંત્રોલેખન એવમ અખંડ મંત્રજાપ સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા સુધી ભકતોએ કર્યા હતા. વડતાલ ધામ એ અખંડ ધૂન માટેનું મહત્વનું કેન્દ્ર છે. અહીં છેલ્લા ૧૮ વર્ષથી અખંડ ધૂન ચાલે છે. જેમાં ૬૦ ગામના ભાવીક ભક્તો લાભ લે છે. સંખેડા તાલુકો અખંડ ધૂનમાં અગ્રસ્થાને છે. સત્સંગ મહાસભાના પ્રમુખ નૌત્તમસ્વામીની પ્રેરણાથી ૩૦ ગામના આદિવાસી, બારૈયા, તડવી, દરબાર, કોળી જ્ઞાતિના ભક્તો જોડાય છે.
વડતાલ મંદિરના કોઠારી ડો.વલ્લભદાસજી સ્વામીએ મહામંત્ર પ્રાગટ્યની માહિતી આપતા જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લાના ફરેણી ગામે સંવત ૧૮૫૮માં માગસરવદી એકાદશીના રોજ શ્રી સહજાનંદ સ્વામીની ધ્યાનસ્થ સભામાં શ્રી સ્વામીનારાયણ મહા નામનું પ્રથમ ઉચ્ચારણ થયું હતું. અને તે દિનથી તે પ્રચલીત બન્યું હતું. શ્રી સહજાનંદ સ્વામી પણ તે દિનથી શ્રી સ્વામીનારાયણ ભગવાનના નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા. અને સંપ્રદાય પણ સ્વામીનારાયણ સંપ્રદાય તરીકે જાહેર થયો હતો. સ્વામીનારાયણ સંપ્રદાય આજે દરિયાપારના દેશો સુધી વિસ્તર્યો છે. આ મહામુલા અવસરને તા. ૨૬ ડિસેમ્બરને ગુરૂવારના રોજ ૨૨૩ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.સફલા એકાદશી એ પવિત્ર દિવસ છે. ઉપવાસનો પણ મોટો મહિમા છે. સ્વામીનારાયણ આ પ્રગટ મહામંત્ર છે. પ્રેમાનંદ સ્વામી કહે છે કે આ મંત્રનો જાપ કરવાથી કે તેનું શ્રવણ કરવાથી ભવોભવના બંધનો તુટી જાય છે. અને સુખનો અનુભવ થાય છે. સ્વામીનારાયણ મહામંત્ર અદભુત છે એનો મહિમા વર્ણવી શકાય તેમ નથી. આ મંત્રની ઉપાસનાથી અનેક જીવોના કલ્યાણ થયા છે. ઉધ્ધાર થયો છે. તેમને સદગતી પ્રાપ્ત થઇ છે. આજે વડતાલ મંદિરમાં ઉજવાયેલા સ્વામીનારાયણ મહામંત્રના ૨૨૩ માં સ્વામીનારાયણ મહામંત્રના પ્રાગટ્ય દિનની ઉજવણીના યજમાન સુરતના હરિભક્ત ધર્મેન્દ્રભાઇ નરસિંહભાઇ પટેલ હતા. ઉત્સવનું આયોજન વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાસ સ્વામી, કોઠારી ડો.સંતસ્વામીએ કર્યું હતું.
(બોક્સ)
ધૂન પ્રારંભ
વડતાલ સ્વા.મંદિરમાં મહામંત્રની ધૂનનો પ્રારંભ તા. ૭-૧૦-૨૦૦૬ના રોજ સવારે ૮ કલાકથી કરવામાં આવ્યો હતો. જેને ૧૮વર્ષ, ૨ મહિના અ્ને ૧૯ દિવસ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૫૯,૭૨૦ કલાક અખંડ ધૂન ભક્તો દ્વારા કરવામાં આવી છે.
જ્યારે ઓનલાઇન મંત્ર લેખનનો પ્રારંભ ૧૮-૧૧-૨૦૧૫ સવારે ૮.૪૯ કલાકે કરવામાં આવ્યો હતો. જેને કુલ ૯ વર્ષ ૧ મહિનો અને ૮ દિવસ થયા છે. અને ૩૪૭૮ હરિભક્તો દ્વારા કુલ ૪,૮૨,૯૫,૩૨૩ મંત્ર લેખન થયા છે.
મંત્રપોથી
આ ઉપરાંત ૨૦૧૫ થી ૨૦૨૪ દરમ્યાન ૮૫,૪૩૩ હરિભક્તો દ્વારા ૧,૧૨,૮૩,૨૭,૦૦૦ મંત્ર લેખન કરવામાં આવ્યા હતા.


Related Posts

Load more