નવી દિલ્હી : સંસદની સંયુક્ત સમિતિ (જેપીસી)એ વક્ફ (સંશોધન) બિલ ૨૦૨૪ના ડ્રાફ્ટ રિપોર્ટ અને સંશોધિત બિલને બુધવારે મંજૂરી આપી હતી. સમિતિના વડા અને ભાજપના સાંસદ જગદમ્બિકા પાલે જણાવ્યું હતું કે વિપક્ષી સાંસદોને અસંમતિપત્ર જમા કરાવવા માટે સાંજે ચાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. વિપક્ષ આ નિર્ણયથી નારાજ છે અને તેણે તેને લોકશાહી માટે કાળો દિવસ ગણાવ્યો.
તેની પાછળનું કારણ એ છે કે સમિતિએ એનડીએના સાંસદોએ સૂચવેલા બધા સંશોધનો મંજૂર કરી દીધા, જ્યારે કોંગ્રેસ, એઆઇએમઆઇએમ, ટીએમસી, શિવસેના (ઉદ્ધવ) અને ડાબેરીઓએ સૂચવેલા સૂચનો નકાર્યા હતા.
વિપક્ષનો દાવો છે કે તેમને મંગળવારે ૬૦૦ પાનાનો ડ્રાફ્ટ રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને તે વાંચીને બુધવારે ચાર વાગ્યા સુધીમાં વિરોધ નોંધાવવો લગભગ અશક્ય હતો.
પાલે જણાવ્યું હતું કે આ રિપોર્ટ લોકસભા સ્પીકરને ગુરુવારે આપવામાં આવશે અને શુક્રવારથી શરૂ થનારા બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. વકફમાં સુધારાનો મુખ્ય હેતુ અધિનિયમ ૧૯૯૫માં સંશોધન કરી વક્ફ સંપત્તિના સંચાલનમાં સુધારો લાવવાનું છે. આ પ્રક્રિયાથી સરકાર અને વિપક્ષ વચ્ચે સંઘર્ષ વધવાના સંકેતો છે. તેથી આગામી બજેટ સત્ર વધુ આક્રમક રહે તેવી સંભાવના છે.
તેમા વિપક્ષની મુખ્ય ચિંતા નોન-મુસ્લિમની વકફ બોર્ડમાં નિમણૂક હતી. તેના લીધે બંધારણની કલમ ૨૬ ધાર્મિક સ્વતંત્રતાનો ભંગ થતો હોવાનું તેઓએ જણાવ્યું હતું. સમિતિએ સોમવારની બેઠકમાં બધા ૧૪ સુધારા સ્વીકાર્યા હતા, જે ભાજપ અને તેના સહયોગી પક્ષોએ સૂચવ્યા હતા. વિપક્ષી સાંસદોએ આખા ઘટનાક્રમને લોકતંત્રની હત્યા ગણાવી અને આરોપ લગાવ્યો કે જેપીસીની પ્રક્રિયા સંપૂર્ણપણે એકતરફી રહી.
વક્ફમાં સ્વીકારવામાં આવેલા સુધારા મુજબ સ્ટેટ વકફ બોર્ડ મુસ્લિમ ઓબીસી કમ્યુનિટીની વ્યક્તિને સમાવી શકશે, આમ વ્યાપક પ્રતિનિધિત્વ મળશે. આ ઉપરાંત રાજ્ય સરકારોને આગાખાની અને વોહરા કમ્યુનિટી માટે અલગ વક્ફ બોર્ડ સ્થાપવાની છૂટ આપવામાં આવી છે. તેની સાથે મહિલાઓને વારસાઈનો અધિકાર પણ મળશે.
આ ઉપરાંત વકફના લાભાન્વિતોમાં પહેલી વખત પસમંદા મુસલમાનો, ગરીબ, મહિલા અને અનાથોને લાભાન્વિતો તરીકે સમાવાયા છે.