સોમવારે યુરોપના ઘણા દેશોએ વીજળી સંકટનો સામનો કરવો પડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્પેન, પોર્ટુગલ અને દક્ષિણ ફ્રાન્સના કેટલાક ભાગોમાં મોટા પાયે વીજળી ગુલ થઈ ગઈ છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રેલ, મેટ્રો, હવાઈ મુસાફરી, મોબાઈલ ઈન્ટરનેટ જેવી મૂળભૂત બાબતો પર ખરાબ અસર પડી છે. ગ્રીડ ઓપરેટરોએ જણાવ્યું કે, બ્લેકઆઉટનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.
સ્પેનની સરકારી વીજ કંપની રેડ ઇલેક્ટ્રિકાએ કહ્યું કે તે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે અને હાલમાં બ્લેકઆઉટના કારણોનું વિશ્લેષણ કરી રહી છે. ગ્રીડ ઓપરેટરે કહ્યું, ‘આ સમસ્યાના ઉકેલ માટે તમામ સંસાધનો તૈનાત કરવામાં આવી રહ્યા છે.’
બીબીસી અહેવાલને પ્રમાણે સ્પેનની રાષ્ટ્રીય રેલ્વે કંપની, રેન્ફેએ જણાવ્યું પ્રમાણે સ્થાનિક સમય મુજબ સવારે 12:30 વાગ્યે દેશની “સંપૂર્ણ રાષ્ટ્રીય પાવર ગ્રીડ કાપી નાખવામાં આવી હતી,”. રેન્ફેએ જણાવ્યું હતું કે ટ્રેનો રોકી દેવામાં આવી હતી અને કોઈ પણ સ્ટેશનેથી કોઈ ટ્રેન આવી રહી નથી અથવા ઉપડી રહી નથી.
શું કહ્યું સ્પેનિશ એજન્સીએ?
સ્પેનની પાવર કંપની રેડ ઇલેક્ટ્રિકા વીજળી પુનઃસ્થાપિત કરવા માટે ઊર્જા કંપનીઓ સાથે કામ કરી રહી છે. પોર્ટુગીઝ પોલીસે લોકોને ચેતવણી આપી છે કે, ટ્રાફિક લાઇટ અને સ્ટ્રીટ લાઇટ કામ ન કરી શકે, તેથી સાવધાની રાખીને વાહન ચલાવો અને જરૂરી ન હોય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળો. સ્પેનની રેલ સેવા કંપની રેન્ફે જણાવ્યું કે, દેશવ્યાપી વીજળી કાપને કારણે ટ્રેનો બંધ કરવી પડી અને ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. નેટવર્કને ફરીથી કનેક્ટ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને આને યુરોપ-વ્યાપી સમસ્યા તરીકે વર્ણવવામાં આવી રહી છે.
પોર્ટુગલ પર પણ છવાયું અંધારું
પોર્ટુગલની વાત કરીએ તો તેની વસ્તી આશરે 1 કરોડ 6 લાખ છે. લિસ્બન અને તેની આસપાસના વિસ્તારો તેમજ દેશના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં અંધારું છવાઈ ગયું છે. બ્લેકઆઉટને કારણે મોબાઇલ નેટવર્ક પણ ખોરવાયું. જો કે, કેટલીક એપ્સ કામ કરતી રહી. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે લિસ્બનની મેટ્રો સેવા બંધ થઈ ગઈ હતી અને શહેરના કેન્દ્રમાં ટ્રાફિક લાઇટ બંધ થઈ ગઈ હતી.
વીજકાપના કારણે મોબાઈલ નેટવર્ક પણ કામ કરતું બંધ થઈ ગયું હતું. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે લિસ્બન સબવે ચાલવાનું બંધ કરી દીધું છે. શહેરમાં ટ્રાફિક લાઇટોએ પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું..