એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી અને સલાહકાર રહેલા અબજોપતિ એલોન મસ્કે ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિના “વન બિગ બ્યુટીફુલ બીલ” ની આકરી ટીકા કરી છે. મસ્કે ટ્રમ્પના બહુચર્ચિત બિલને ગાંડપણ અને સામાન્ય કરદાતાઓ પર બોજ ગણાવ્યું છે. આ સાથે તેમણે ચેતવણી આપી છે કે જો સેનેટ આ બિલને મંજૂરી આપે છે, તો તેઓ બીજા દિવસે “અમેરિકા પાર્ટી” નામનો એક નવો રાજકીય પક્ષ શરૂ કરશે.
આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળની મુખ્ય નીતિ છે, જેમાં સંરક્ષણ, ઉર્જા અને સરહદ સુરક્ષા માટે મોટા બજેટની માંગ કરવામાં આવી છે, પરંતુ પોષણ અને આરોગ્ય સેવાઓમાં કાપ મૂકવાની પણ જોગવાઈ છે. કોંગ્રેસનલ બજેટ ઓફિસે અહેવાલ આપ્યો છે કે આગામી દસ વર્ષોમાં, આ બિલ રાષ્ટ્રીય ખાધમાં લગભગ $3.3 ટ્રિલિયનનો વધારો કરશે.
તેમણે રિપબ્લિકન નેતાઓ, ખાસ કરીને હાઉસ ફ્રીડમ કોકસના ચેરમેન એન્ડી હેરિસ પર પણ આકરા પ્રહારો કર્યા અને કહ્યું, “જો તમે સરકારી ખર્ચ ઘટાડવાના નામે ચૂંટાયા હોવ અને પછી દેવાની મર્યાદામાં સૌથી વધુ વધારો કરતા બિલ માટે મતદાન કરો, તો તમને શરમ આવવી જોઈએ.”
એલોન મસ્કે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “જો આ પાગલ બિલ પસાર થઈ જશે, તો હું બીજા જ દિવસે ‘અમેરિકા પાર્ટી’ શરૂ કરીશ. ડેમોક્રેટ્સ-રિપબ્લિકન્સની આ એકપક્ષીય વ્યવસ્થાનો વિકલ્પ આપણને જોઈએ છે, જેથી સામાન્ય લોકોનો અવાજ ઉઠાવી શકાય.”