US Visa Policy: અમેરિકાએ વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ગાઝા પટ્ટીની મુલાકાત લેતા કોઈપણ વિદેશી નાગરિક અંગે એક નવો કાયદો લાગુ કર્યો છે. નવા નિયમ મુજબ 1 જાન્યુઆરી, 2007 પછી ગાઝા પટ્ટીની મુલાકાત લેનારા કોઈપણ વિદેશી નાગરિકના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિઝા અરજી દરમિયાન તપાસવામાં આવશે. આ નિર્ણય યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સેક્રેટરી માર્કો રુબિયોના નિર્દેશનમાં લેવામાં આવ્યો છે. આ નિયમ ઇમિગ્રન્ટ અને નોન-ઇમિગ્રન્ટ બંને પ્રકારના વિઝા પર લાગુ કરવામાં આવ્યો છે.આમાં વિદ્યાર્થી વિઝા, પ્રવાસી વિઝા અને રાજદ્વારી મુલાકાતોનો પણ સમાવેશ થાય છે. વધુમાં ગાઝામાં કામ કરનારા બિન-સરકારી સંગઠનો (એનજીઓ) ના સ્ટાફ અને સ્વયંસેવકો. આ લોકો નીતિના દાયરામાં આવશે.
નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ગાઝાથી પાછા ફરનારાઓ દ્વારા ઉભા થતા સંભવિત સુરક્ષા જોખમોને ઓળખવાનો છે. જો કોઈ વ્યક્તિના સોશિયલ મીડિયા અથવા ડિજિટલ પ્રવૃત્તિઓમાં કોઈ એવી સામગ્રી જોવા મળે છે, જેને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માનવામાં આવે છે, તો તેની વિઝા અરજી આંતર-એજન્સી સમીક્ષા માટે મોકલવામાં આવશે. આ બાબતે સેક્રેટરી માર્કો રુબિયોએ મીડિયાને જણાવ્યું હતું કે અમે 2025 ની શરૂઆતથી આવા 300 થી વધુ વિઝા રદ કર્યા છે, જેમાં ઘણા વિદ્યાર્થી વિઝાનો સમાવેશ થાય છે.
ઇઝરાયલની ટીકા કરનારાઓને નિશાન બનાવવામાં આવ્યા ?
અહેવાલો અનુસાર ઘણા વિદેશી વિદ્યાર્થીઓ હતા જેમણે ગાઝામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીની ટીકા કરી હતી. તેમના વિઝા રદ કરવામાં આવ્યા છે. આ પગલું અમેરિકાની વિદેશ નીતિની ટીકા પર પ્રતિબંધનો પણ સંકેત આપે છે. જ્યારે યુએસ બંધારણ દરેક વ્યક્તિને વિઝા સ્થિતિને ધ્યાનમાં લીધા વિના અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રદાન કરે છે.
હાર્વર્ડ યુનિવર્સિટી મુખ્ય નિશાન બની
ટ્રમ્પ વહીવટીતંત્રે ખાસ કરીને હાર્વર્ડ યુનિવર્સિટીને નિશાન બનાવી છે. ગાઝા સંઘર્ષ બાદ હાર્વર્ડ ખાતે થયેલા વિરોધ પ્રદર્શનોના આધારે વહીવટીતંત્રે યુનિવર્સિટીને નીતિગત ફેરફારો કરવાની માંગ કરી, જે નીચે મુજબ છે.
પોજિટિવ એક્શન (સકારાત્મક અનામત) નાબૂદ કરવી.
“અમેરિકન મૂલ્યો વિરોધી” હોઈ શકે તેવા વિદ્યાર્થીઓની તપાસ કરવી.
કેમ્પસમાં યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ.
આ માંગણીઓનો અસ્વીકાર થવાથી ફેડરલ ભંડોળમાં $2 બિલિયનની ફંડીગ અટકાવવામાં આવી. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ તો એમ પણ કહ્યું કે હાર્વર્ડ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હોસ્ટ કરવા માટે લાયક નથી.સંયુક્ત રાષ્ટ્ર, માનવાધિકાર સંગઠનો અને ઘણા અમેરિકન શિક્ષણવિદોએ આ પગલાને ‘ડિજિટલ સેન્સરશીપ’ અને ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન’ ગણાવ્યું છે. તેઓ માને છે કે આ નીતિ અમેરિકાના લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે. આ વિદ્યાર્થીઓ અને માનવાધિકાર કાર્યકરોને ચૂપ કરવાનો પ્રયાસ છે. વિદેશી અરજદારોને ભયના વાતાવરણમાં મૂકે છે.