બનાસકાંઠાના રાજકારણમાં અનોખું જોવા મળ્યું હતું. એક તરફ ઠાકોર સમાજનું બંધારણ જ્યારથી ઘડાયું છે, ત્યારથી જ વિવાદમાં આવ્યું છે. આ વચ્ચે ઠાકોર સમાજના બંધારણમાં ડીજે બંધ મામલે એક ભુવાજીએ ગેનીબેન ઠાકોરને પડકાર ફેંક્યો છે.
ભુવાજીએ ધુણાતાં- ધુણાતાં કહ્યું કે, ડીજે વાળાઓનું ડીજે બંધ રાખું તો દેહમાં માતા ન કહેવાઉં, વીડિયો બનાવવાનું બંધ નહિ રહે. ડીજે વાળાઓનો ધંધો છે, ભલે ગેની બાઈએ કહી દીધું કે લગ્નમાં ડીજે બંધ તો લગ્નમાં બંધ રહેશે. પણ હોમેં ચૈતર મહિનાની બીજ અને વૈશાખ મહિનાની પાંચમ આવે છે, એમાં ડીજે ન વાગે તો હું માતા ન કહેવાઉં ભાઇ.
ભુવાજીએ આગળ કહ્યું કે, સમાજને સામાજ પ્રમાણે રહેવું પડે, પણ હું માતા એમ કહું છું કે એક બાજુ ઠાકોરોનો જમણવાર અને એક બાજુ ગેનીબેનનો જમણવાર તો ગેનીબેન સાત ભોજન જમીને આવે અને ઠાકોરોના છોકરાં લુખું જમીને આવે. ફોન કરવો હોય તો કરજો, ગેનીબેનને કે આ જોગણી બોલી એમને જવાબ આપવાની મારી તાકાત છે. બધાની બોલતી બંધ ન કરું તો હું જોગણી ન બોલી ભાઈ.
આમ, ભુવાજીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, આ વીડિયો ક્યાંનો છે અને ભુવાજી કોણ તેને લઈને હજુ નથી થઈ સ્પષ્ટતા થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, જ્યારથી ઠાકોર સમાજનું બંધારણ ઘડાયું છે, ત્યારથી જ ડીજે વગાડવાના મુદ્દે વિવાદ વકર્યો છે. એક તરફ બંધારણ ઘડનારાઓએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે, તો બીજી તરફ ડીજે સંચાલકોએ તેનો વિરોઘ કર્યો છે. કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે કાર્યક્રમમાં ડીજે વગાડતા સમાજે તેમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.
ગેનીબેનની હાજરીમાં તૂટ્યું હતું બંધારણ
હાલમાં જ પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હતું. બંધારણ બનાવનારની ઉપસ્થિતમાં જ બંધારણનું ઉલ્લંઘન થયું હતું. પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે બંધારણ તૂટ્યું હતું. બંધારણમાં VIP રિસેપ્શન અને VIP ભોજન VIP કંકોત્રી છપાવીને બંધારણ તોડ્યું હતું. લગ્ન પ્રસંગે બંધારણમાં માત્ર એક જ મીઠાઈ પીરસવાની બંધારણ કરાયું છે. તેમજ બંધારણમાં હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા સહિત અન્ય કોઈ રસમોના પ્રસંગો કરવા પર પ્રતિબંધ છે. ઠાકોર સમાજના આગેવાનો એક બાદ એક બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ઠાકોર સમાજના બંધારણ માત્ર ગરીબ લોકો માટે બનાવ્યું હોય તેવા સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર શરૂ થયા છે. ગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોર ફેસબુકમાં પોસ્ટ કરીને માત્ર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે જ બંધારણ બનાવ્યું હોવાનું ફેસબુકમાં પોસ્ટ કરી હતી. તેઓએ સવાલ ઉઠાવ્યા હતા કે, માત્ર સામાન્ય લોકો માટે બંધારણ નિયમો આગેવાનો માટે કેમ નહી?