ભાવનગર શહેર અને જિલ્લામાં નકલી ઇંગ્લિશ દારૂના કારણે સર્જાયેલી મહાતારાજીએ સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી દીધી છે. આ ઝેરી દારૂના સેવનથી અત્યાર સુધીમાં 9 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 21થી વધુ લોકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ પોલીસ તપાસમાં જે તથ્યો સામે આવ્યા છે તે અત્યંત ચોંકાવનારા છે. આ ઝેરી કેમિકલ યુક્ત દારૂ જેણે બનાવ્યો હતો અને જેણે એની ફોર્મ્યુલા આપી હતી, તે જ મુખ્ય સૂત્રધારનું પણ આ દારૂ પીવાથી મોત નીપજ્યું છે.
નકલી દારૂના આ કાળચક્રમાં અનેક નિર્દોષ લોકો ભોગ બન્યા છે. 19 ઓગસ્ટની રાત્રે ગાંધી કોલોની સામે આવેલા ગિલ્બર્ટ એપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી સ્કૂલના શિક્ષક હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. તેઓ ઘરના રસોડામાં લોહીની ઊલટીઓ કરીને મૃત્યુ પામ્યા હતા, જ્યાંથી પોલીસે ‘રોયલ સ્ટેગ’ની અડધી ભરેલી બોટલ જપ્ત કરી છે. બીજી તરફ કાળિયાબીડ વિસ્તારના 35 વર્ષીય જયેશ જીતેન્દ્રભાઈ ભટ્ટીનું પણ આ ઝેરી પીણાથી મોત થયું છે, જેઓ પોતાના પાછળ 8 વર્ષનો દીકરો, 4 વર્ષની દીકરી અને પત્નીને વિલાપ કરતા છોડી ગયા છે.
અમદાવાદથી મટિરિયલ અને મધ્યપ્રદેશથી આવ્યા ‘એક્સપર્ટ’
પોલીસ તપાસ અનુસાર, કાળો કારોબાર ચલાવતા બુટલેગર ગૌતમ સોલંકી અને ઉજ્જૈનના રઇસ નામના શખ્સે ભેગા મળી આ આખું નેટવર્ક ઊભું કર્યું હતું. તેમણે અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાંથી મિથેનોલ અને વ્હાઈટ લિક્વિડ મટિરિયલ, ખાલી બોટલો, ઢાંકણાં અને રોયલ સ્ટેગના ડુપ્લિકેટ સ્ટીકરો. આ તમામ સામગ્રી ટ્રાન્સપોર્ટ મારફતે વરતેજ મંગાવી હતી. દારૂ બનાવવાની ‘ખાસ ફોર્મ્યુલા’ માટે ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડૉક્ટર’ને બોલાવવામાં આવ્યો હતો. નરેન્દ્રસિંહે સારસ, ગણેશ અને અમન સાથે મળીને ગૌતમ સોલંકીના ઘરે જ આ ઘાતક મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો.
ત્રણ તબક્કામાં તૈયાર કરાઈ બેચ
આરોપીઓએ કૂલ ત્રણ તબક્કામાં દારૂનું ઉત્પાદન કર્યું હતું. પ્રથમ બેચમાં 51 પેટી દારૂ બનાવીને બજારમાં વેચી દેવાયો. બીજી બેચમાં દારૂ અત્યંત ખરાબ અને ઝેરી બનતા સ્થળ પર જ તેનો નાશ કરાયો. ત્રીજી બેચમાં 25 પેટી દારૂ બનાવી ભાવનગર અને આસપાસના ગામડાઓમાં છૂટક વેચાણ અર્થે મોકલાયો. (જેમાંથી સંજય ચાવડા નામના શખ્સ પાસેથી 36 પેટીઓ નીલમબાગ પોલીસે દરોડો પાડી કબજે કરી છે).
‘ડૉક્ટર’ માટે જ પોતાનો દારૂ કાળ બન્યો
જેણે આખા ષડયંત્રની ફોર્મ્યુલા ઘડી હતી તે નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરે પોતે બનાવેલા આ મિથેનોલયુક્ત દારૂનું સેવન કર્યું હતું. દારૂ પીધાના બીજા જ દિવસે તેની તબિયત લથડતાં તેને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. અન્ય લોકોના જીવ જોખમમાં મૂકનાર માટે જ પોતાનું નિર્માણ કાળ સાબિત થયું હતું.
મુંબઈથી ઇન્જેક્શન અને અમદાવાદથી નિષ્ણાત ડૉક્ટરો બોલાવાયા
સર ટી. હોસ્પિટલમાં દર્દીઓની સતત વધતી સંખ્યાને જોતાં આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે. ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. કૈરવી દેસાઈના જણાવ્યા મુજબ તબીબોની 4 ટીમો 24 કલાક (રાઉન્ડ ધ ક્લોક) દર્દીઓની સારવારમાં તહેનાત છે. ઝેરની અસર ઘટાડવા મુંબઈથી ખાસ ‘ફોમેપિઝોલ’ (Fomepizole) ઇન્જેક્શનના 10 ડોઝ તાત્કાલિક ધોરણે મંગાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. અમદાવાદની IKDRC હોસ્પિટલમાંથી કિડની અને લીવરના નિષ્ણાત ડૉક્ટરોની ટીમને પણ ભાવનગર બોલાવવામાં આવી છે.
હાલમાં ભાવનગર પોલીસે મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે બોટાદ અને અમરેલીથી 100 જેટલા વધારાના પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ખડકી દેવાયા છે.