ભાવનગરના એસ.ટી. બસ સ્ટેન્ડમાં પ્રેમિકા કાજલ બારૈયાની હત્યા કરનાર આરોપી ખાટકીનું રી-કન્સ્ટ્રક્શન

By: Nation Gujarat Team
05 Sep, 2026

ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ પરિસરમાં બે દિવસ પહેલાં આચરવામાં આવેલા એક સનસનાટીભર્યા હત્યાકાંડના કેસમાં પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે. જાહેર જનતાની હાજરીમાં જ પ્રેમીએ પોતાની પ્રેમિકાને બેરહેમીથી ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ગંભીર ગુનામાં પકડાયેલા નરાધમ આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાસ્થળે જઈને સમગ્ર બનાવનું રી-કન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું.

ફૈઝલ ઉર્ફે ખાટકીએ કાજલ બારૈયાને માર્યો હતો ઢોર માર

આ ચકચારી બનાવની મળતી વિગતો અનુસાર, આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણી નામના શખ્સે પોતાની પ્રેમિકા કાજલ બારૈયાને એસ.ટી. બસ સ્ટેન્ડમાં આંતરીને જાહેરમાં જ હુમલો કર્યો હતો. આરોપીએ સતત સાત મિનિટ સુધી કાજલને જાહેરમાં બેરહેમીથી ઢોર માર માર્યો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ક્રૂર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા હતા, જે જોઈને સમગ્ર ભાવનગર શહેર ધ્રૂજી ઊઠ્યું હતું.

પોલીસે જે સ્થળે હત્યા થઈ ત્યાં જ આરોપીને પાઠ ભણાવ્યો

હત્યાના બનાવ બાદ ત્વરિત કાર્યવાહી કરીને નિલમબાગ પોલીસ ટીમે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને કબ્જે લીધો હતો. ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી નિલમબાગ પોલીસે આરોપીને બસ સ્ટેન્ડના એ જ સ્થળે લાવીને રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જ્યાં તેણે પ્રેમિકાની હત્યા કરી હતી. રી-કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે જાહેર જનતાની હાજરીમાં આરોપીને કડક મેથીપાક ચખાડ્યો હતો. પોલીસની આ આકરી કાર્યવાહી જોઈને બસ સ્ટેન્ડમાં એકત્રિત થયેલા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.


Related Posts

Load more