Political Parties Donation: ભારતીય જનતા પાર્ટી માટે આ વર્ષ માત્ર ચૂંટણી પરિણામોની દૃષ્ટિએ સુખદ જ નહોતું પરંતુ પાર્ટીના બેંક ખાતામાં પણ જંગી ફંડ આવ્યું છે. ભાજપને 2023-24માં લોકો, ટ્રસ્ટો અને કોર્પોરેટ ગૃહો તરફથી દાન તરીકે રૂ. 2,244 કરોડ મળ્યા, જે વર્ષ 2022-23માં મળેલા દાન કરતાં ત્રણ ગણા વધુ છે.
ચૂંટણી પંચે રિપોર્ટ જાહેર કર્યો
ચૂંટણી પંચના અહેવાલ મુજબ, ભાજપને 2023-24માં ટ્રસ્ટ અને કોર્પોરેટ ગૃહો તરફથી કુલ રૂ. 2244 કરોડનું દાન મળ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ ત્રણ ગણું વધારે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને ગયા વર્ષે 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા જે આ વર્ષે વધીને 288.9 કરોડ રૂપિયા થઈ ગયા છે. આ પક્ષોના ડોનેશનની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.
પાર્ટી | 2023-24માં મળેલું ડોનેશન |
BJP | Rs. 2244 કરોડ |
BRS | Rs. 580 કરોડ |
Congress | Rs. 288 કરોડ |
YSRCP | Rs. 184 કરોડ |
TDP | Rs. 100 કરોડ |
DMK | Rs. 60 કરોડ |
AAP | Rs. 11 કરોડ |
TMC | Rs. 6 કરોડ |
પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી સૌથી વધુ ડોનેશન
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભાજપને પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી 723.6 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 156.4 કરોડ રૂપિયા મળ્યા છે. આનો અર્થ એ થયો કે ભાજપનું એક તૃતીયાંશ દાન અને કોંગ્રેસનું અડધાથી વધુ દાન પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટમાંથી જ આવ્યું છે. ગયા વર્ષે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ, મિત્તલ ગ્રૂપ અને ભારતી એરટેલ જેવી મોટી કંપનીઓ પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટમાં સૌથી વધુ ડોનેશન આપનાર કંપનીઓમાં સામેલ હતી.
ડોનેશન કેવી રીતે મળે છે?
સુપ્રીમ કોર્ટે 2024માં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી, ત્યાર બાદ હવે ડાયરેક્ટ ટ્રાન્સફર અથવા ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા રાજકીય પક્ષોને ડોનેશન આપવામાં આવે છે. વર્ષ 2023-24માં ભાજપને ગયા વર્ષ કરતાં 212% વધુ ડોનેશન મળ્યું છે. જો કે, આ પ્રથમ વખત નથી; 2019ની લોકસભા ચૂંટણી પહેલા પણ ભાજપને રૂ. 742 કરોડ અને કોંગ્રેસને રૂ. 146.8 કરોડનું ડોનેશન મળ્યું હતું.
અન્ય પક્ષોને ડોનેશન
હવે પ્રાદેશિક પક્ષોની વાત કરીએ તો વર્ષ 2023-24માં, BRSને રૂ. 495.5 કરોડ, DMK રૂ. 60 કરોડ, YSR કોંગ્રેસને રૂ. 121.5 કરોડ અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ને રૂ. 11.5 કરોડનું ડોનેશન મળ્યું છે. તેમજ આમ આદમી પાર્ટી (AAP) ને રૂ. 11.1 કરોડનું દાન મળ્યું છે, જે ગયા વર્ષે રૂ. 37.1 કરોડ હતું, એટલે કે AAPના ડોનેશનમાં ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP)ને માત્ર રૂ. 20,000 રૂપિયાનું ડોનેશન મળ્યું છે.