બાંગ્લાદેશે T20 વર્લ્ડકપનો બહિષ્કાર કરતા ખળભળાટ, ICCએ ભારતમાં રમવાની શરત મૂકી હતી

By: Nation Gujarat Team
22 Jan, 2026

ICC On Bangladesh Cricke Board, T20 World Cup 2026 : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ચેતવણી આપી હોવા છતાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB), ખેલાડીઓએ અને વચગાળાની સરકારે ભારતમાં યોજાનાર T20 વર્લ્ડકપમાં રમવાનો ઈન્કાર કરી દીધો છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી બાંગ્લાદેશની ભારતમાં યોજાનારી મેચોનું સ્થળ બદલવામાં નહીં આવે ત્યાં સુધી બીસીબી વર્લ્ડકપમાં ભાગ નહીં લે.

બાંગ્લાદેશ ફરી સુરક્ષાનું બહાનું આપ્યું

બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નરૂલે ખેલાડીઓ સાથે બેઠક કર્યા બાદ આઈસીસી પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, આઈસીસીએ બાંગ્લાદેશ સાથે અન્યાય કર્યો છે અને ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને લેતા નથી. નજરૂલે કહ્યું કે, ‘અમારી સરકાર, ક્રિકેડ બોર્ડ અને ખેલાડીઓનો એક જ મત છે કે, સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની સમજૂતી ન કરી શકાય

અમે દબાણમાં આવી ઝુકીશું નહીં : બાંગ્લાદેશી રમતગમત સલાહકાર

આસિફ નજરૂલે સ્પષ્ટ કહ્યું કે, ‘અમે કોઈપણ દબાણમાં આવીશું નહીં અને ઝુકીશું નહીં. વિશ્વએ સમજવું જોઈએ કે, જો બાંગ્લાદેશ વર્લ્ડકપ નહીં રમે તો તેના શું પરિણામ આવશે. અમે અમારા ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈપણ બાંધછોડ ન કરી શકીએ.

ભારતમાં રમવું સુરક્ષિત નથી : બાંગ્લાદેશ

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આજે (22 જાન્યુઆરી) આઈસીસી સાથે બેઠક યોજ્યા બાદ ફરી કહ્યું છે કે, અમારો નિર્ણય અટલ છે. બોર્ડે કહ્યું કે, વર્તમાન સ્થિતિ મુજબ ભારતમાં રમવું સુરક્ષિત નથી અને તેથી ભારતમાં રમાનારી અમારી મેચોનું સ્થળ બદલીને શ્રીલંકા શિફ્ટ કરવામાં આવે. જોકે આઈસીસીએ પહેલેથી જ સ્પષ્ટ કહ્યું છે કે, ટૂર્નામેન્ટની મેચો ભારતમાં જ રમાશે. આઈસીસીએ એવું પણ કહ્યું હતું કે, જો બીસીબીએ ભારતમાં ન રમવું હોય તો તે ટુર્નામેન્ટથી ખસી શકે છે.

આઈસીસીએ ગઈકાલની બેઠકમાં શું કહ્યું હતું

ગઈકાલે (21 જાન્યુઆરી) આઈસીસી અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં આઈસીસીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે, જો બાંગ્લાદેશે ટી20 વર્લ્ડકપમાં ભારતમાં યોજાનાર મેચો ન રમવી હોય તો તેને બહાર થવું પડશે. ગઈકાલે ICCએ બાંગ્લાદેશને એક દિવસનું એટલે કે 22 જાન્યુઆરી સુધીમાં જવાબ રજૂ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ દરમિયાન બાંગ્લાદેશે દલીલ કરી છે કે, આ નિર્ણય અમારી સરકાર કરશે. દલીલ પર ICCએ તેને કહ્યું કે, ‘તમે તમારી સરકારને આઈસીસીનો નિર્ણય કહી દો કે, તેમની ટીમે ભારતમાં જ રમવું પડશે, નહીં તો ટીમે વર્લ્ડકપમાંથી બહાર થવું પડશે.’

બેઠકમાં ભાગ લેનાર તમામ સભ્યોએ બાંગ્લાદેશને આપ્યો ઝટકો

આઈસીસીએ બાંગ્લાદેશની માંગ પર ચર્ચા કરવા માટે ગઈકાલે જે બેઠક બોલાવી હતી, જેમાં વોટિંગની નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં મોટાભાગના સભ્યોએ મત વ્યક્ત કર્યો છે કે, ‘બાંગ્લાદેશે ભારતમાં જ મેચો રમવી પડશે. બેઠકમાં તમામે સ્પષ્ટ કહ્યું છે કે, જો બાંગ્લાદેશ આનાકાની કરશે તો તેના સ્થાને અન્ય ટીમને તક આપવામાં આવશે.

બાંગ્લાદેશ હટશે તો સ્કોટલેન્ડને તક !

મીડિયા રિપોર્ટ મુજબ, જો ટી20 વર્લ્ડકપમાંથી બાંગ્લાદેશ આઉટ થઈ જશે તો, આઈસીસી તેના સ્થાને સ્કોટલેન્ડને ટુર્નામેન્ટ રમવા માટે બોલાવી શકે છે. આઈસીસી ટી20 રેન્કિંગમાં સ્કોટલેન્ડ 14માં સ્થાને છે. જ્યારે સ્કોટલેન્ડે હજુ સુધી વર્લ્ડકપમાં ભાગ લીધો નથી.

ટી20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશની મેચ

ટી20 વર્લ્ડકપના નિર્ધારીત શેડ્યૂલ મુજબ બાંગ્લાદેશની પ્રથમ મેચ સાતમી ફેબ્રુઆરીએ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાવાની છે. ત્યારબાદ 9મી ફેબ્રુઆરીએ ઈટાલી સામે, 14 ફેબ્રુઆરીએ ઈંગ્લેડ અને 17 ફેબ્રુઆરીએ નેપાળ સાથે મેચ રમવાની છે. બાંગ્લાદેશની મોટાભાગી મેચો કોલકાતામાં રમાવાની છે.


Related Posts

Load more