New York Mayor Election 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક શહેરની મેયર ચૂંટણીમાં મતદારોને ખુલ્લેઆમ ધમકી આપી છે. તેમણે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જોહરાન મમદાનીને ટાર્ગેટ કરતાં ધમકી આપી છે કે, જો તેઓ જીતી ગયા તો શહેર આર્થિક અને સામાજિક કટોકટીનો ભોગ બનશે. મમદાની કોમ્યુનિસ્ટ હોવાનો દાવો કરતાં ટ્રમ્પે પૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોને સત્તાવાર ધોરણે સમર્થન આપ્યું છે.
ટ્રમ્પે ન્યૂયોર્કવાસીઓને જાહેરમાં ધમકી આપતાં કહ્યું કે, મમદાનીની જીત થઈ તો હું ન્યૂયોર્ક માટે ફેડરલ ફંડિંગને લઘુતમ સ્તરે સીમિત કરી દઈશ. જેથી શહેર આર્થિક ભીંસમાં મુકાશે.
પ્રમુખ તરીકે નાણાંનો વ્યય કરીશ નહીંઃ ટ્રમ્પ
ટ્રમ્પે ગઈકાલે 3 ઓક્ટોબરે સોમવારે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી હતી કે, જો કોમ્યુનિસ્ટ ઉમેદવાર જોહરાન મમદાની ન્યૂયોર્ક શહેરની મેયર ચૂંટણીમાં જીતે છે, તો હું મારા પ્રિય પ્રથમ ઘર માટે ફેડરલ ફંડિંગ ઘટાડી દઈશ. જો માત્ર લઘુતમ રકમ સુધી મર્યાદિત થશે. કોમ્યુનિસ્ટ મમદાનીના નેતૃત્વમાં આ મહાન શહેરની સફળતા અને આર્થિક ભીંસમાંથી બચવાની સંભાવના શૂન્ય થશે. કોમ્યુનિસ્ટને જવાબદારી મળતાં પરિસ્થિતિ વધુ કથળી શકે છે અને પ્રમુખ તરીકે હું નાણાંનો વ્યય કરવા માગતો નથી. દેશ ચલાવવો મારી ફરજ છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે,મમદાનીની જીતથી ન્યૂયોર્ક શહેર સંપૂર્ણપણે આર્થિક અને સામાજિક આપત્તિમાં ડૂબી જશે.
કુઓમોને મત આપવા દબાણ
ટ્રમ્પે કુઓમોને સમર્થન આપતાં કહ્યું કે, તમને એન્ડ્ર્યુ કુઓમો વ્યક્તિગત રૂપે પસંદ હોય કે ન હોય, તમારી પાસે કોઈ વિકલ્પ નથી. તમારે તેમને જ મત આપવો પડશે, અને અપેક્ષા છે કે, તેઓ આકર્ષક કામગીરી કરશે. તેઓ લાયકાત ધરાવે છે, મમદાની નહીં. મમદાનીના સિદ્ધાંતોની પરીક્ષા વર્ષોથી થઈ રહી છે, પરંતુ તેઓ ક્યારેય સફળ થયા નથી. હું એવા ડેમોક્રેટની જીત ઈચ્છીશ, જેની પાસે સફળતાનો રેકોર્ડ છે. એક બિનઅનુભવી કોમ્યુનિસ્ટ નિષ્ફળ નેતા જીતવા જોઈએ નહીં. તેઓ અભ્યાસમાં પણ સારા ન હતા. અને તેઓ વિશ્વના સૌથી મહાન શહેરની જૂની શાખ પાછી લાવી શકશે નહીં.