રાજધાની દિલ્હીના સાઉથ કેમ્પસ વિસ્તારમાં આવેલા સત્ય નિકેતનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં અચાનક એક બિલ્ડિંગ ભરભરાઈને તૂટી પડી છે. આ અકસ્માતના કારણે આસપાસના વિસ્તારમાં ભારે હડકંપ મચી ગઈ છે અને લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. બિલ્ડિંગના કાટમાળ નીચે લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વરસાદ વચ્ચે બિલ્ડિંગ પડતા મચી અફરાતફરી
રાજધાનીમાં પડી રહેલા વરસાદના માહોલ વચ્ચે આ ભયાનક અકસ્માત થયો છે. રવિવારની બપોરે સત્ય નિકેતર વિસ્તારમાં અચાનક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. મકાન ધરાશાયી થવાને કારણે આખા વિસ્તારમાં નાસભાગ અને અફરાતફરી સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ આ ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને કરી હતી.
ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ દ્વારા બચાવ કામગીરી
મળતી માહિતી મુજબ ફાયર વિભાગને બપોરે આશરે 1:30 વાગ્યે આ દુર્ઘટનાની જાણકારી મળી હતી. સૂચના મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
કાટમાળ નીચે દબાયા લોકો
આ દુર્ઘટનામાં અંદાજે આઠ જેટલા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. બચાવ ટીમો દ્વારા કાટમાળ હટાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે જેથી ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાય. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી છે.